મોરબીમાં તો ડબલ નહીં ત્રણ એન્જીનની સરકાર : કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

- text


વડાપ્રધાને મોરબીને કન્ટેનર ડેપો અને નજીકમાં જ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું : કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે વડાપ્રધાનના ગુજરાતીમાં વખાણ કર્યા

મોરબી : આજે ટંકારા તાલુકાથી પ્રારંભ થયેલી મોરબી જિલ્લાની ગૌરવ યાત્રા વાંકાનેર સહિતના વિસ્તારમાં ફર્યા બાદ મોરબી પહોંચી હતી જ્યાં નગર દરવાજા ખાતે જનસભા યોજાઈ હતી જેમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે મોરબી બેઠક જીતાડી ભરોસાની સરકાર બનાવવા પ્રજાજનોને અપીલ કરી હતી, સાથે જ મોરબીની જનતાએ પાલિકામાં બાવને બાવન બેઠક ભાજપને ભેટ ધરી હોય અહીં ડબલ નહીં ત્રિપલ એન્જીન વાળી સરકાર ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

દ્વારકાથી શરૂ થયેલી ભારતીય જનતા પાર્ટીની ગારવયાત્રા આજે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેકનામ ગામેથી શરૂ થઈ હતી જેમાં કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, જયંતીભાઈ કવાડિયા, ભરતભાઈ બોઘરા,પૂર્વ મંત્રી ચીમન સાપરીયા, પૂર્વ ચેરમેન મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ધનસુખભાઈ ભંડેરી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સહિત જિલ્લાના ભાજપ આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ગૌરવ યાત્રાનું મોરબી સિરામિક એસોશિએશન દ્વારા રફાળીયા નજીક ઉમળકા ભેર સ્વાગત કરાયું હતું.

દરમિયાન મોરબી જિલ્લામાં નેકનામ ખાતે ગૌરવ યાત્રાના સ્વાગત બાદ આ યાત્રા પ્રભુનગર (મીતાણા), ટંકારા, લજાઈ, હડમતીયા, જડેશ્વર, રાતિદેવડી, વાકાંનેર, ઢુવા, મકનસર, લીલાપર, રવાપર ચોકડી થઇ મોરબી નેહરુ ગેટ ખાતે પહોંચી હતી જ્યા જનસભાને સંબોધતા કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલે ગુજરાતીમાં પોતાની સ્પીચ આપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિશ્વનેતા ગણાવી તેમના શાસનકાળમાં ગુજરાત અને સમગ્ર દેશે પ્રગતિના શિખરો સર કર્યાનું જણાવી ઉમેર્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈની ડબલ એન્જીન સરકાર ચાલી રહી છે પરંતુ મોરબીની જનતાએ પાલિકામાં 52-52 ભેટ ધરતા અહીં તો ત્રિપલ એન્જીન સરકાર હોવાનું તેમને જણાવ્યું હતું.

મોરબીની જનસભામાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મોરબીને કન્ટેનર ડેપો અને નજીકમાં જ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું છે ત્યારે આગામી ચૂંટણીમાં મોરબી બેઠક જીતાડી ભરોસાની સરકાર બનાવવા પ્રજાજનોને અપીલ કરી હતી.

કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાની ગેરહાજરી

મોરબી જિલ્લામાં ગૌરવ યાત્રામાં ભાજપ દ્વારા જાહેર કરાયા મુજબ કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલ સાથે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા પણ જોડાનાર હતા પરંતુ કોઈ કારણોસર તેઓ ગૌરવ યાત્રામાં જોડાયા ન હતા. જો કે ભાજપના આગેવાનોએ કેન્દ્રીય મંત્રી માંડવીયા અન્ય રૂટ ઉપર ગયા હોવાનું જણાવ્યું હતું.

- text

- text