મોરબીના વાડી વિસ્તારમાં હોટેલના વેઇટરને ચોર સમજી ધોકા વાળી

- text


નેપાળી વેઈટર સગાને ત્યાં જન્મદિવસની ઉજવણીમાં જતા હોય ગંદરાની વાડી નજીક ટોળાએ હલ્લાબોલ કર્યો : છોડાવવા આવેલા હોટલ માલિકને પણ ધોકા ફટકારતા 20 વિરુદ્ધ ફરિયાદ

મોરબી : મોરબીના શનાળા બાયપાસ નજીક હોટલમાં કામ કરતા પાંચ  નેપાળી વેઈટર રવાપર રોડ ઉપર પોતાના સ્નેહીજનને ત્યાં જન્મદિવસની ઉજવણીમાં જતા હતા ત્યારે ગંદારાની વાડી નજીક 20 લોકોના ટોળાએ ચોર સમજી ધોકાવાળી કરી હતી અને વચ્ચે છોડાવવા આવેલા હોટલ માલિકને પણ ધોકા ફટકારી દેતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં શનાળા બાયપાસ નજીક માધવ હોટલ ધરાવતા નરેશભાઇ માધવજીભાઇ કાંજીયાએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે રાત્રે તેમની હોટલમાં વેઈટર તેમજ હેલ્પર તરીકે કામ કરતા  જીવન દલભાઇ સુથારી,  વિકાસ રામસીંગ પરીયાર , કમલ દંગલીભાઇ ૫રીયા૨,  કીરણ નીતીનભાઇ પરીયાર અને સુજાન પદમભાઇ મગર રાત્રીના અગ્યાર વાગ્યા સુધી હોટલમાં વેપાર ધંધો કરી રવાપર રોડ ઉપર રહેતા વીકાસ રામસીંગ પરીયારના મોટોભાઇ ગેની રામસીંગ પરીયારના દીકરાનો જન્મ દિવસ હોય પાંચેય લોકો ત્યાં જતા હતા.
તેવામાં ગંદરાની વાડી નજીક આ પાંચેય વેઇટરને રોકી નવીનભાઇ નકુમ, પ્રવીણ ભાઇ નકુમ, મહેશભાઈ કંઝારીયા, સુરેશ પરમાર,  રઘુભાઇ દાનાભાઇ નકુમ અને પંદરેક અજાણ્યા માણસોએ તમે ચોરી કરવા આવ્યા છો તેવું કહેતા વેઇટરે હોટલ માલિક નરેશભાઇ માધવજીભાઇ કાંજીયા સાથે ફોનમાં વાત કરાવતા નરેશભાઈ તુરત બનાવ સ્થળે ગાડી લઈને ગયા હતા અને આ માણસો ચોર નહિ હોવાનું અને તેમની હોટલમાં કામ કરતા હોવાનું લોકોને જણાવ્યું હતું.
આમ છતાં તમામ આરોપીઓએ પાંચેય વેઇટરને માર મારવા લાગતા નરેશભાઈ વચ્ચે છોડાવવા પડતા નરેશભાઈને પણ ટોળાએ માર મારતા તાકીદે પોલીસ અને 108ને જાણ કરી હતી.
આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા નરેશભાઈની ફરિયાદને આધારે પાંચ લોકોના નામ જોગ તેમજ અજાણ્યા 15લોકો વિરુદ્ધ આઈપીસી કલમ 323, 325, 326,143, 147, 148, 149 અને જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text