મોરબી નજીક ખિલખિલાટ વાનમાંથી પ્રસુતાનું અપહરણ

- text


એક વર્ષ પૂર્વ યુવાને પ્રેમલગ્ન કર્યા હોય પરિણીતાના પરિવારજનો દ્વારા ઇકો કારમાં નવજાત શિશુને છોડી પ્રસુતાને ઉઠાવી જવાઈ : ગઈકાલે સવારે બનેલી ઘટનામાં ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીની સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ થયા બાદ પ્રસુતિ થતા ઘેર જઈ રહેલી પ્રસુતાનું ખિલખિલાટ વાહનમાંથી તેણીના પરિવારજનો દ્વારા અપહરણ કરી જવાતા ચકચાર મચી જવા પામી છે. અપહરણની ઘટના પાછળ યુવતીએ એક વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યાનું કારણ બહાર આવ્યું છે.
બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મૂળ થાનગઢના અને હાલ વિરમગામ રહેતા મહેશ પ્રભુભાઈ માત્રાણીયા નામના યુવાને એક વર્ષ પૂર્વે તેની જ જ્ઞાતિની વાંકાનેરના વિનયગઢ ગામે રહેતી લક્ષ્મીબેન અમરશીભાઈ રાઠોડ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને છેલ્લા એકાદ માસથી પતિ પત્ની સરતાનપર રોડ ઉપર આવેલ ટીટા સિરામિક ફેકટરીમાં રહી મજૂરી કામ કરી રહ્યા હોય જેની જાણ ભાગીને પ્રેમલગ્ન કરનાર મહેશભાઈના સસરા પક્ષને થઈ ગઈ હતી.
વધુમાં લક્ષ્મીબેન દામ્પત્ય જીવનબાદ ગર્ભસ્થ બનતા ગત તા.5ના રોજ મોરબી સિવિલમાં સારવાર માટે આવતા તેઓને દાખલ કરી તબીબ દ્વારા સિઝેરિયન કરી પ્રસુતિ કરવામા આવતા પુત્રનો જન્મ થયો જતો. જે બાદ ગઈકાલે રજા આપવામાં આવતા મહેશ પ્રભુભાઈ માત્રાણીયા, તેમના પત્ની લક્ષ્મીબેન મહેશભાઈના માતા સહિતના લોકો ખિલખિલાટ વાનમાં બેસી તેમના વતન થાન ખાતે જવા રવાના થયા હતા.
દરમિયાન ખીલખિલાટ વાહન મોરબીના બંધુનગર નજીક પહોંચતા જ એક બોલેરો કાર અને એક ઇકો કારમાં આવેલા લોકોએ ખિલખિલાટ વાહનને આંતરી છરીની અણીએ ઉભું રખાવી લક્ષ્મીબેનના મામા અશોકભાઈ કેશાભાઈ ધરજીયા તથા જીતાભાઇ કેશાભાઇ ધરજીયા, લક્ષ્મીબેનના ફઇનો દિકરો વિપુલ, મોટાબાપુ પ્રભુભાઇ રામભાઇ રાઠોડ, સાસુ વસંતબેન તથા મનડાસર ગામે મામી તથા બીજા બે-ત્રણ અજાણ્યા માણસો ગાડીમાંથી છરી સાથે ઉતર્યા હતા અને   ખિલખિલાટ વાહનની ચાવી કાઢી લઈ નવજાત બાળકને માતાથી અળગું કરી લક્ષ્મીબેનને અન્ય ગાડીમાં બેસાડી નાસી ગયા હતા અને મહેશભાઈને ઢીકા પાટુનો માર મારી અમારી દિકરીને કેમ ભગાડી ગયો હતો ? હવે અમારી દીકરીને લઈ જઈ છી તેમ કહી વાંકાનેર તરફ નાસી ગયા હતા.
આ ગંભીર બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે લક્ષ્મીબેનના પતિ મહેશ પ્રભુભાઈ માત્રાણીયાની ફરિયાદને આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 365,323, 504, 143,147,148,149 અને જીપી એકટની કલમ 135 અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text