મોરબીના ટીમ્બડી નજીક ગણેશનગરમાં એક સાથે પાંચ મકાનમાં ચોરી

- text


સિરામીક ઉદ્યોગમાં વેકેશનને પગલે વતનમાં ગયેલા ધંધાર્થીઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા

મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર ટીમ્બડી ગામ નજીક આવેલા જય ગણેશ નગરમાં તસ્કરોએ એક સાથે પાંચ બંધ મકાનને નિશાન બનાવી હાથફેરો કરતા સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાયો છે. હાલમાં સિરામીક ઈન્ડસ્ટ્રીઝમાં વેકેશન હોય પોતાના વતનમાં ગયેલા પાંચ રાજસ્થાની લોકોના મકાન તસ્કરોના નિશાન બન્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં મોરબી સિરામીક ઈન્ડસ્ટ્રીઝમાં મીની વેકેશન રૂપે એક મહિનાનું શાંત ડાઉન ચાલી રહ્યું હોવાથી સિરામીક ઉદ્યોગ સાથે જોડાયેલા પરપ્રાંતીય ધંધાર્થીઓ પોતાના વતનમાં ગયા હોય તેમના બંધ પડેલા મકાનને તસ્કરો નિશાન બનાવી રહ્યા છે. આવી જ ઘટનામાં મોરબીના ટીમ્બડી ગામ નજીક પાટીદાર ટાઉનશીપ પાછળ આવેલા જય ગણેશનગરમાં તસ્કરોએ એક સાથે પાંચ મકાનમાં ચોરીને અંજામ આપતા સ્થાનિક લોકોએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હોવાનું અહીં રહેતા એડવોકેટ મનોજ શર્માએ જણાવ્યું હતું.

વધુમાં ગતરાત્રીના બનેલ આ ચોરીની ઘટનામાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થી જીતુભાઇ, તાજારામ ચૌધરી અને મહેશ ગુર્જર નામના અસામીઓના મકાનની સાથે સાથે સિરામીક ટ્રેડિંગનો વ્યવસાય કરતા બીરબલ ચૌધરી અને નરેન્દ્ર સહારન નામના વ્યકતિના મકાનમાં પણ ચોરી થવા પામી હતી. જો કે હાલમાં તમામ મકાન માલિક રાજસ્થાન ગયા હોય કેટલી માલમતાની ચોરી થઇ છે તે અંગે કોઈ વિગતો બહાર આવી નથી. હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

- text

- text