ભારે કરી ! ભાજપ રાજમાં ભાજપના નગરસેવકોને પાલિકામાં મોરચો માંડવો પડ્યો

- text


મોરબીના મહેન્દ્રપરામાં ગટરના ગંદા પાણી ભરવાના પ્રશ્ને કાઉન્સિલરની આગેવાનીમાં સ્થાનિકોનો પાલિકામાં મોરચો

રજુઆત કરવા માટે ત્રણ ચાર વ્યક્તિ કચેરીમાં અંદર આવવાનું કહેતા રોષે ભરાયેલા સ્થાનિકો જ્યાં સુધી ગટર પ્રશ્નનો હલ ન થાય ત્યાં સુધી કચેરી બહાર બેસવા મક્કમ

મોરબી : મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરની ગંદકી અને ઉપરથી વરસાદી પાણી ભરાયા હોવાની રજુઆત કરવા છતાં તંત્ર ધ્યાન ન આપતા સ્થાનિક લોકો ઉકળી ઉઠ્યા હતા. આથી ગટરની ગંદકી પ્રશ્ને સ્થાનિક લોકોએ ખુદ શાસક પક્ષ ભાજપના કાઉન્સિલરોની આગેવાનીમાં નગરપાલિકા કચેરીમાં દોડી જઇને મોરચો માંડ્યો હતો. તેમાંય રજુઆત કરવા માટે ત્રણ ચાર વ્યક્તિ કચેરીમાં અંદર આવવાનું કહેતા રોષે ભરાયેલા સ્થાનિકો જ્યાં સુધી ગટર પ્રશ્નનો હલ ન થાય ત્યાં સુધી કચેરી બહાર બેસવા મક્કમ નિર્ધાર કર્યો હતો.

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં ગટરના પાણી ભરાવવાની સમસ્યા મામલે સ્થાનિક કાઉન્સીલર ભગવાનજીભાઈ કંઝારિયા, સુરભીબેન ભોજાણી અને તેમના પતિ મનીષભાઈ ભોજાણીની આગેવાનીમાં નગરપાલિકા કચેરીએ રજુઆત કરવા દોડી ગયા હતા. ત્યારે ચીફ ઓફિસરની કચેરીમાં બે કે ત્રણ વ્યક્તિને જ રજુઆત કરવા અંદર જવું એવું કહેતા સ્થાનિકોએ અધિકારી બહાર આવીને અમારી રજુઆત સાંભળીને ઉકેલ લાવે તેવું કહીને કચેરીની બહાર જ ટોળા બેસી ગયા હતા. સ્થાનિકોએ રોષ સાથે જણાવ્યું હતું કે મહેન્દ્રપરા વિસ્તારમાં બારેમાસ ગંદકી જેવી ગંભીર પરિસ્થિતિ છે. એક તો ગટરના પાણી સતત ઉભરાયા કરે છે અને ઉપરથી વરસાદને કારણે પાણી ભરાવવાની સમસ્યા બેવડાઈ છે.

વધુમાં જણાવ્યું ગટર અને વરસાદના પાણી શેરીમાં એટલી હદે ભરાયા છે કે લોકોને ઘરની બહાર નીકળવું હોય તો ગંદા પાણીમાંથી ચાલીને જવાની ફરજ પડે છે. સતત ગંદકી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં હોય ગઈકાલે આવેદનપત્ર આપ્યા પછી પણ તંત્ર કાર્યવાહી ન કરતા આજે પાલિકામાં મોરચો માંડવાની ફરજ પડી છે. આ લોકોએ એવો બળાપો ઠાલવ્યો હતો કે, અમે પણ માણસો જ છીએ. જનાવર નથી. અમે પણ ટેક્ષ ભરીએ છીએ અમને પણ સુવિધા આપો જેમ માધાપરમાં ગટરના પ્રશ્નનો નિકાલ કર્યો એમ અમારા વિસ્તારના ગટરના પાણીનો નિકાલ કરો અને 23 વર્ષથી આ ગંભીર સમસ્યા છે. જો કે ચોંકાવનારી બાબત એ છે કે, ખુદ ભૂગર્ભના ચેરમેનનો આ વિસ્તાર હોય તેમના જ વિસ્તારમાં આ સમસ્યા ઉકેલી ન શકતા હોય તો બીજા વિસ્તારમાં ક્યાંથી ઉકેલી શકે. તેવો લોકોએ આક્ષેપ કર્યો હતો.

- text

- text