જળ હોનારત બાદ જીંદાદિલ મોરબીએ ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠા થઈને વિશ્વમાં ડંકો વગાડ્યો

દેશ-વિદેશમાંથી સહાય અને સંવેદનાનો ધોધ વછૂટ્યો, પણ મચ્છુના ખમીરે આપબળે અકલ્પ્ય વિકાસ સાધ્યો કે મોરબી દેશમાં જ નહીં વિશ્વમાં ચાઈના હરીફ તરીકે ગુજતું થયું

પહેલા નળિયા અને ઘડિયાળ ઉધોગનો વિકાસ પછી મોઝેક, હીરા અને હવે ટાઇલ્સની ઝાકઝમાળમાં વિશ્વ આખું અંજાઈ ગયું, 43 વર્ષ પહેલા હોનારતમાં સ્મશાન બની ગયેલુ મોરબી આજે કયાનું ક્યાં પહોંચી ગયું તેની વિકાસગાથા અત્રે પ્રસ્તુત છે


મોરબી : 11 ઓગસ્ટ 1979ના રોજ મચ્છુ જળ હોનારતે મોરબીને એકઝાટકે સ્મશાન બનાવી દીધું હતું. દેશ-વિદેશ અને ગુજરાત સરકાર અને સંસ્થાઓ પણ આપતિના સમયે મોરબીના અસરગ્રસ્તોની મદદે સતત પડખે રહ્યા હતા.મોરબી બેઠું થાય એ માટે સૌ કોઈ પ્રયાસો કરતા હતા પણ મન હોય તો માળવે જવાયની ઉક્તિ મુજબ અહીં આ દુર્ઘટનાના આઘાતમાંથી માણસને બહાર નીકળવા માટે એનું મનોબળ મજબૂત હોવું જોઈએ અને એમાં મચ્છુનું ખમીર પાછું પડે એમ નથી. દરેક મોરબીવાસીમાં સાહસ, અને પ્રંચડ આત્મવિશ્વાસ, રાખમાંથી બેઠા થવાની ધગશ મચ્છુના ખમીરના મૂળમાં છે. આથી આ ઘટનાના થોડા સમય બાદ મોરબી ધીરે-ધીરે આઘાતમાંથી બહાર નીકળી અને એક દાયકા પછી વિકાસને એવો ટોપ ગિયરમાં દોડાવ્યો કે આજે નાનકડા નગરમાંથી જિલ્લો થયેલો મોરબી દેશમાં જ નહીં વિશ્વભરમાં પ્રચલિત છે.



મચ્છુ હોનારત પછી મોરબી દેશ અને વિદેશમાં સાહિસિક ઔધોગિક ક્ષેત્ર તરીકે જાણીતું થયું હતું. જો કે આઝાદી વખતે જ મોરબીમાં નળિયા અને ઘડિયાળ ઉધોગ ધીરે-ધીરે વિકસતો થયો હતો. હોનારત આવ્યા પહેલા આ બન્ને ઉધોગોએ કાઢું કાઢી લીધું હતું.પણ હોનારતમાં નળિયા અને ઘડિયાળ ઉધોગને નુકશાન બહુ મોટું થયું પણ મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા પણ બચી ગયેલા લોકો આઘાતથી સ્તબ્ધ જરૂર થયા પણ હિંમત ન હાર્યા.જીવનનું બીજું નામ જ સંઘર્ષ છે. આધાતથી નાસીપાસ થાય એ કાયર અને સામનો કરીને સતત સંઘર્ષ કરીને મંજીલે પહોંચે એજ સાચો માણસ એમ માનીને દરેક મોરબીવાસીએ પોત પોતાના ક્ષેત્રે મજૂરથી માંડી ઉધોગપતિઓ જાતે ફિનક્સ પંખીની જેમ રાખમાંથી બેઠા થવા મંડી પડ્યા..

કહેવાય છે ને કે, કરેલું કોઈ દિવસ ફોગટ જતું નથી એમ મોરબીવાસીઓ કરેલી મહેનતને કારણે 1985 સુધીમાં બેઠા થઈને 1990 પછી વિકાસની ગાડીને ટોપ ગિયરમાં દોડાવી, નળિયા ઉધોગે 1990 સુધી ભરપૂર વિકાસ કર્યો, એ સમયગાળા દરમિયાન મોઝેક ટાઇલ્સ ઉધોગ પણ વિકસ્યો, ઉપરાંત લાતીપ્લોટ અને જીઆઇડીસીના બાર્સ પાર્ટ્સ, ઉલિયા સહિતના ઘણા બધા ગૃહ ઉધોગો ચાલુ થયા. 1985થી 1995 સુધી હીરા ઉધોગનો સુવર્ણ યુગ રહ્યો. જ્યારે આ બધાથી પણ ઉધોગ જગતમાં એક મોટું નામ છે પરશુરામ પોટરી, આ ઉધોગ આઝાદી પહેલાથી 1990 સુધી ટક્યો પણ ત્યાં સુધી ટાઇલ્સ , માટીના વાસણો, પોખરા સહિતની વસ્તુઓના ઉત્પાદનમાં પરશુરામ પોટરીનું એકચક્રી શાસન રહ્યું હતું. મજૂરો માટે ફંડફાળા, આરોગ્ય, શિક્ષણ, મકાન સહિતની સવલત એ સમયમાં આપવા માટે આ પરશુરામ પોટરીનું નામ આજે પણ શિરમોરે છે.


1990 પછી સીરામીક ઉધોગનો ઉદય થયો પછી એને પાછું વાળીને જાયું જ નથી નળિયા, તળિયા અને ઘડિયાળને કારણે ઓળખાતું મોરબી હવે દેશમાં જ નહીં વિદેશમાં સીરામીકથી ઓળખાય છે. વિશ્વમાં ટાઇલ્સ ક્ષેત્રે ચાઈનાને ટક્કર આપતું હોય તો એ માત્ર મોરબી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મોરબીએ આફતમાંથી બહાર નીકળીને વિશ્વભરમાં રોલ મોડલ બનીને રહી ગયું. મચ્છુનું પાણી એવું છે એ વિનાશ પણ વેરે અને વિકાસ પણ એવો કરે કે દુનિયા જોઈ રહે.મોરબી હોનારતને 43 વર્ષ થયાં પણ મોરબીવાસીઓએ દુઃખના રોદણા રોયા વગર જ ઘટનાના થોડા સમય બાદ જ ઉભા થઈને સ્મશાન બનેલા મોરબીને નંદનવન બનાવી દીધો.હોનારત પછી પેઢીદર પેઢી મોરબીવાસીઓમાં મચ્છુનું ખમીર જન્મજાત હોવાથી કોઇપણ આપતિ વખતે પીછેહઠ તો નહીં જ કરે.

43 વર્ષે મોરબીએ શુ મેળવ્યું એ વાત કરીએ તો થોડી જ સરકારી મદદ બાદ બધું સ્વબળે મોરબીવાસીઓએ વિકસાવ્યું છે. પાડાપૂલ, મણીમંદિર, દરબારગઢ, એલ, ઇ ક્રિકેટ ગ્રાઉન્ડ, કોલેજ,ઝૂલતા પુલ વગેરે રાજાશાહીની દેન છે અને ઉધોગો તો ખરા જ. સર વાઘજી ઠાકોરે 18મી સદીમાં મોરબીની આધુનિક બનાવવાનો પાયો નાખેલો. પણ અફસોસ લોકશાહીમાં એ પાયો મજબૂત બન્યો હોત તો મોરબી આજે મેટ્રોસિટીથી કમ ન હોત


દરબારગઢ
મણીમંદિર
પાડાપૂલ
એલ, ઇ ક્રિકેટ ગ્રાઉન્ડ
એલ, ઇ કોલેજ
ઝૂલતા પુલ