સોખડા : સરપંચ સહિતના આગેવાનો મધ્યાહન ભોજન સંચાલિકાના હાથનું ભોજન જમ્યા

- text


મધ્યાભોજન બનાવતી મહિલા અનુ.જાતિની હોવાથી બાળકો જમતા ન હોવાના આક્ષેપથી હોબાળો થતા અંતે સરપંચ સહિતના લોકોએ આ મહિલાના હાથ રાધેલી રસોઈ જમીને જ્ઞાતિવાદનો કોઈ મુદ્દો ન હોવાનો મેસેજ આપ્યો

મોરબી : મોરબીના સોખડા ગામે આવેલ શાળામાં મધ્યાહન ભોજનની સંચાલિકા અનુ.જાતિની હોવાથી તેમના હાથે રાધેલું અન્ન શાળાના અન્ય સમુદાયના બાળકો જમતા ન હોવાનો ચોંકાવનારા આક્ષેપ સાથે આ સમગ્ર મામલો તંત્ર સમક્ષ પહોંચ્યો હતો. જો કે તંત્રએ શાળાના બાળકો તેમજ વાલીઓ સાથે મીટીંગ કરતા તમામ વાલીઓએ આભડછેટનો કોઈ મામલો જ હોવાનું જણાવ્યું હતું. આથી આ જ્ઞાતિવાદી અને ભેદભાવ રાખતો હોવાનો ઉઠેલાં વિવાદનો અંત લાવવા ગામના સરપંચ તથા અન્ય સમુદાયના લોકો આ મહિલાએ રાધેલી રસોઈ જમ્યા હતા.

મોરબીના સોખડા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ગત જૂન મહિનામાં ગામની અનુ.જાતિની મહિલા ધારાબેન મકવાણાને મધ્યાહન ભોજનનો કોન્ટ્રાકટ મળ્યો હતો. પણ એમણે બનાવેલો ભોજન અન્ય ઓબીસી સમુદાયના બાળકો જમતા ન હોવાથી રાધેલું અન્ન દરરોજ બગડતા અને પછી રાંધવાનું બંધ થતાં મધ્યાનભોજનનો માલ પણ સડવા લાગતા અંતે ધારાબેન મકવાણાએ મામલતદાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, એસપી સહિતનાને ફરિયાદ કરી હતી કે પોતે અનુ.જાતિની મહિલા હોવાથી અન્ય સમુદાયના બાળકો જમતા ન હોવાનોઆક્ષેપ કર્યો હતો.

- text

જ્ઞાતિવાદ ભેદભાવનો સંવેદનશીલ મામલો સામે આવતા મામલતદાર તેમજ શિક્ષણ તંત્ર સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને ગામના વાલીઓ સાથે મીટીંગ કરીને બાળકોને જમવા સમજાવ્યા હતા. પણ વાલીઓએ એવું કહ્યું હતું કે, અમે સુખી સંપન્ન છીએ એટલે બાળકોને ઘરેથી ટિફિન લઈને મોકલીએ છીએ. પણ જ્ઞાતિવાદી વિવાદ વધુ ઘેરો બનતા ગામના સરપંચ સહિતના પ્રબુદ્ધજનો નાતજાતના કોઈ વાડા ન હોવાનું જાહેર કરવા મેદાને આવ્યા હતા. જેમાં ગામના સરપંચ મેહુલભાઈ થરેસા, એસએમસીના સભ્યો તેમજ ગ્રામ પંચાયતના સભ્યોએ બાળકોને સાથે રાખી અનુ.જાતિના મહિલા ધારાબેને બનાવેલી રસોઈ પ્રેમપૂર્વક જમ્યા હતા અને જ્ઞાતિવાદી કોઈ ભેદભાવ નથી અને બધા લોકો સરખા હોવાનું એટલે સમાનતાનો મેસેજ આપ્યો હતો.

- text