વાંકાનેર તાલુકાના સરતાનપર ગામમાં દારૂનું વેચાણ, ખનીજ ચોરી મામલે રજૂઆત

- text


એડવોકેટ દ્વારા મામલતદાર અને પીઆઈને રજૂઆત કરવા છતાં પગલાં ન લેવાતા જિલ્લા પોલીસ વડાને રાવ

વાંકાનેર : તાલુકાના સરતાનપર ગામે ખુલ્લેઆમ દારૂનું વેચાણ, ખનીજ ચોરી તેમજ સરકારી જમીનમાં ગેરકાયદે કબજો કરાયો હોવાની એડવોકેટ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજુઆત કરતા ચકચાર મચી જવા પામી છે.

વાંકાનેરના એડવોકેટ મહેશભાઈ ગણેશીયાએ મોરબી જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે, સરતાનપર ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા માહિતી મળી છે કે, સરતાનપર ગામે છેલ્લા ઘણા સમયથી સરતાનપર ગામમાં સરકારી જમીનમાં સરતાનપર ગામે સેન્સો ચોકડી પાસે પાવર હાઉસ સામે 20 થી 25 ગેરકાયદેસર રૂમો બનાવેલા છે. તેમજ સરતાનપર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં ગેરકાયદેસર પાંચ ઓફીસનું બાંઘકામ કર્યું છે. સેન્સો ચોકડી પાસે પાવર હાઉસની સામે જે રૂમો બનાવ્યા છે તેમાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ પણ કરાવે છે.

- text

આ ઉપરાંત સાઈન્ટીફીકા કારખાનાની સામે ગેરકાયદેસર દુકાન બનાવી ત્યાં દેશી તથા અંગ્રેજી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. સરતાનપર ગામે સરકારી ખરાબામાં ખનીજ ચોરી કરી રહ્યાનો પણ આરોપ લગાવ્યો છે. સાથે જ સરકારી ખરાબામાં જે ખાણો આવેલી છે તેમાં પાણી ભરેલ છે તે પાણી માલ ઢોરને પીવા માટેનું હોવા છતાં આ પાણી ગેરકાયદેસર રીતે પાણીની ચોરી કરી અને તેનું વેચાણ કરવામાં આવી રહ્યાની રજુઆત કરવામાં આવી છે. આ અગાઉ સરતાનપર ગામના ગ્રામજનો દ્વારા તા. ૧૬/૩/૨૨ ના રોજ વાંકાનેરના પોલીસ ઈન્સ્પેકટરને તથા તા. ૧૭/૩/૨૨ ના રોજ વાંકાનેર મામલતદારને લેખિત રજુઆત કરી હતી. પરંતુ હજુ સુધી કોઈ પગલાં ન લેવાતા ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ જ છે.

આ સંજોગોમાં એડવોકેટ દ્વારા હાલમાં ગુજરાતમાં લઠ્ઠાકાંડ જેવી ઘટના બની છે ત્યારે જો દારૂના વેચાણની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ રહેશે તો સમાજ પર તેની ખરાબ અસર પડી શકે છે તેમજ યુવાધન બરબાદ થશે જેથી તાકીદે જિલ્લા પોલીસવડાને સ્થળ પર નિરીક્ષણ કરી ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવી કાયદેસરના પગલાં ભરવા રજૂઆતના અંતે માંગ કરી છે.

- text