હળવદના કીડી ગામે કિંમતી જમીન પચાવી પાડતા લેન્ડગ્રેબિંગ

- text


રાજકોટના ઇસમે જમીન વાવવા રાખ્યા બાદ રૂપિયા ઉછીના આપી કબ્જો કર્યો

હળવદ : હળવદ તાલુકાના કીડી ગામના વતની અને હાલ મોરબી રહેતા વૃદ્ધની કિંમતી જમીન ઉધડમાં વાવવા રાખ્યા બાદ રૂપિયા હાથ ઉછીના આપી રાજકોટના શખ્સે આ જમીન પચાવી પાડી જમીન ઉપર આવશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના કીડી ગામના વતની અને હાલમાં મોરબી લીલાપર રોડ સનવર્ડ કારખાનામાં રહી મજૂરી કામ કરતા નાનજીભાઈ મોહનભાઈ બજાણીયાની વડીલો પાર્જીત જમીન હળવદ તાલુકાના કીડી ગામના સર્વે નંબર ૪૭૩ પૈકી ૧ ની જમીન હે.આર.ચો. ૦-૫૮-૬૮ ચો.મી જમીન આવેલી છે.

આ કિંમતી જમીન નાનજીભાઈ મોહનભાઈ બજાણીયાએ વર્ષ 2012માં મારૂતિનગર, એરપોર્ટ રોડ, સરસ્વતી સ્કુલની પાછળ રાજકોટ ખાતે રહેતા જગદિશસિહ બળવંતસિહ જાડેજાને વર્ષે રૂપિયા 5000માં ઉધડમાં વાવવા માટે આપી હતી.

- text

બાદમાં નાનજીભાઈને લગ્નપ્રસંગ માટે નાણાકીય જરૂર પડતા જગદીશસિંહ પાસેથી રૂપિયા 10 હજાર હાથ ઉછીના લીધા હતા અને બાદમાં જગદીશસિંહે ઉધડના પૈસા ન આપતા નાનજીભાઈએ જમીન ખાલી કરવાનું કહેતા જગદીશસિંહે જમીન ખાલી નહિ થાય તેમ જણાવી હવે જમીન બાબતે આવશો તો હાથ પગ ભાંગી નાખી જાનથી પતાવી દઈશ તેવી ધમકી આપતા નાનજીભાઈએ જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ પગલાં ભરવા અરજી કરી હતી.

દરમીયાન લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા નાનજીભાઈની અરજી ગ્રાહ્ય રાખવામાં આવતા હળવદ પોલીસ મથકમાં જગદીશસિંહ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૩,૪(૧) (૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text