મોરબીમાં હર ઘર તિરંગાની સાથે હર ફેક્ટરી તિરંગાનું પણ આયોજન કરાશે

- text


મોરબી જિલ્લામાં ૨.૨૫ લાખથી વધુ સ્થળોએ તિરંગો લહેરાય તેવું આયોજન

મોરબી : આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે સમગ્ર રાષ્ટ્રમાં ‘‘હર ઘર તિરંગા ‘‘કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાષ્ટ્રમાં લોકોમાં તિરંગા પ્રત્યે આદર વધારવા તેમજ રાષ્ટ્રભક્તિની એક નવી મિશાલ ઉભી કરવા દરેક ઘર ઉપર તિરંગો લહેરાય તે માટેનું આયોજન કરવામાં આવનાર છે. જે હેઠળ મોરબી જિલ્લામાં પણ ઉત્સાહ અને ઉમંગથી સ્વાતંત્ર પર્વની સાથે ‘‘હર ઘર તિરંગા ‘‘કાર્યક્રમની પણ ઉજવણી કરવામાં આવશે. જિલ્લાના ઘર ઘર પર રાષ્ટ્રીય એકતા અને ઉન્નતીનું પ્રતીક રાષ્ટ્રધ્વજ લહેરાતો હશે.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી તમામ વ્યવસ્થાઓ સુગમ બને તેવું આયોજન કરવા જણાવ્યું હતું તેમજ રાષ્ટ્રધ્વજનું સન્માન અને આદર જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવા સૂચન કર્યું હતું.

આ ‘‘હર ઘર તિરંગા ‘‘કાર્યક્રમની ભવ્ય ઉજવણીના આયોજન અન્વયે યોજાયેલી બેઠકમાં નિવાસી અધિક કલેકટર એમ.કે. મુછારે બેઠકનું સંચાલન કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ૨,૨૫,૦૦૦ થી વધારે જગ્યાએ તિરંગો લહેરાવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. તમામ ઘર સંસ્થા શાળાઓ વગેરે સ્થળો પર આદર અને દેશપ્રેમ સાથે તિરંગો લહેરાય તેવી વ્યવસ્થા કરવામાં તમામ વિભાગોને સહભાગી થઈ ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, મોરબી, વાંકાનેર, ટંકારા, હળવદ તેમજ માળિયા નગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં તિરંગા ડિસ્ટ્રીબ્યુશન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે ઉપરાંત સ્વચ્છતાની પણ પૂરતી તકેદારી રાખવા સૂચના આપી હતી. જાહેર સ્થળોએ વોલ પેઇન્ટિંગ, રંગ રોગાન, રાષ્ટ્ર ભક્તિને લગતા સ્લોગન તેમજ હોર્ડિંગ્સ વગેરે લગાવવાની વ્યવસ્થા કરવા પણ નગરપાલિકાના અધિકારીઓને જણાવ્યું હતું. વધુમાં જરૂર પડે તમામ વ્યવસ્થાઓ કરવા અમલીકરણ ટીમ બનાવવા પણ સૂચન કર્યું હતું.

- text

મોરબી જિલ્લો સીરામીકનું હબ છે ત્યારે હર ઘર તિરંગાની સાથે હર ફેક્ટરી તિરંગા બને તેવું નવીન અભિગમ જણાવી તેમણે સીરામીક એસોસિએશનના હોદ્દેદારોને દરેક ફેક્ટરી પર તેમજ કારખાના ઉપર તિરંગો લહેરાય તેવી વ્યવસ્થામાં સહકાર આપવા જણાવ્યું હતું.સીરામીક યુનીટો ઉપરાંત પેપરમીલ, પેકેજીંગ યુનીટ, લેમીનેટ યુનીટો, પોલિપેક યુનીટો, જીનીંગ ઉદ્યોગ, ઓઇળ મિલો વગેરે પર પણ હર ઘર તિરંગા અંતર્ગત તિરંગો લહેરાવવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત એસોસિએશનના પેકેજીંગ તેમજ પેકેટ્સ પર ‘‘હર ઘર તિરંગા ‘‘નો લોગો લગાડી રાષ્ટ્રભક્તિની એક નવી પહેલ કરવા પણ અપીલ કરી હતી.

આ બેઠકમાં મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, જિલ્લા શિક્ષણ અધિકારી એન.વી.રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ વિડજા, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ, મોરબી પેપરમીલ એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ, મોરબી સિરામિક એસોસિએશનના ઉપપ્રમુખ યશવંત વડાવિયા, હળવદ તથા માળીયા નગરપાલિકાના પ્રતિનિધિઓ તેમજ સંલગ્ન વિભાગના અધિકારી/કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

- text