ઝાડવાની ભેજામારી ! મોરબીમાં વાવડીમાં ઝાડની ફેંસિંગ તોડવા મામલે બે પરિવારો બાખડયા

- text


સાર્વજનિક પ્લોટમાં વાવેલા ઝાડની ફેંસિંગ મામલે સામસામી ફરિયાદ

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શ્રધ્ધાપાર્કમાં સાર્વજનિક પ્લોટમાં વૃક્ષો વાવી ફરતે કરેલી ફેંસિંગ તોડી નાખવા મામલે બે પાડોશીઓ વચ્ચે છુટા હાથની મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ બનાવ અંગે પોલીસે બન્ને પરિવારોની સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડીરોડ ઉપર આવેલ શ્રધ્ધાપાર્કમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા જીતેન્દ્રભાઇ જયંતીભાઇ મિયાત્રાએ તેમના પાડોશી રાજુભાઇ સતવારા અને તુલસીભાઇ રાજુભાઇ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેઓ ઘેર આવ્યા ત્યારે પાડોશી રાજુભાઈએ તેમના ઘર પાછળ વાવેલ ઝાડવાની ફેંસિંગ તે કેમ તોડી નાખી છે તેવું કહી ગાળો આપી લોખંડની ટોમી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી અને આ ઝઘડામાં વચ્ચે છોડાવવા આવેલ તેમના બહેન શીતલને પણ આરોપીઓએ ઇજા પહોંચાડી હતી.

- text

દરમિયાન સામાપક્ષે સેંટરીંગ કામનો ધંધો કરતા તુલશીભાઇ રાજુભાઇ પરમારે જીતેન્દ્રભાઇ જયંતીભાઇ મિયાત્રા, જયંતીભાઇ મિયાત્રા, શીતલબેન જયંતીભાઇ મિયાત્રા અને સુમનબેન જયંતીભાઇ મિયાત્રા રહે.બધા શ્રધાપાર્ક સોસાયટી વાવડીરોડ મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી જીતેન્દ્રે તેમના ઘર પાછળ વાવેલા ઝાડવાની ફેંસિંગના લાકડાના ખાંભા કાઢી નાખતા આ મામલે તુલસીભાઈના પિતાએ જીતેન્દ્રને ખાંભા કેમ કાઢી નાખ્યા તેમ પૂછતાં સારું નહિ લાગતા તેમના પિતાને ભુંડીગાળો આપી લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વતી જેમફાવે તેમ આડેધડ માર મારી તુલસીભાઈ તેમજ તેમના પત્ની સોનીબેન વચ્ચે છોડવવા જતા માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આઇપીસી કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text