હળવદમાં ગારો -કીચડ ખૂંદો તો જ આધારકાર્ડ નીકળે !

- text


મામલતદાર વંદે ગુજરાત કાર્યક્રમમાં વ્યસ્ત : પ્રજાજનો વંદે ગારો ખૂંદવા મજબુર, જૂની મામલતદાર કચેરીની અવદશા

હળવદ : હળવદ શહેરમાં એકમાત્ર જૂની મામલતદાર કચેરી ખાતે જ આધારકાર્ડની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ પડતા જૂની મામલતદાર કચેરીમાં ગારા-કીચડનું સામ્રાજ્ય છવાયું છે અને લોકો ગારા-કીચડ ખૂંદીને જાય તો જ આધારકાર્ડ સેન્ટર સુધી પહોંચી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે, મામલતદાર વંદે ગુજરાતમાં વ્યસ્ત હોય લોકોની વ્યથા બહેરા કાને અથડાઈ રહી છે.

સમગ્ર હળવદ તાલુકામાં હાલમાં એક માત્ર હળવદ જૂની મામલતદાર કચેરી ખાતે જ આધારકાર્ડ સેન્ટર કાર્યરત હોય દરરોજ અહીં તાલુકાભરમાંથી સેંકડો લોકોની અવરજવર રહે છે પરંતુ છેલ્લા બેત્રણ દિવસથી વરસાદ વરસતા આધારકાર્ડ સેન્ટર તરફ જવાના પ્રાંગણમાં પાણી ભરાતા હાલમાં ગારા કીચડનું સામ્રાજ્ય છવાયું છે અને લોકો ફરજીયાત પણે આ ગારા કીચડ ખૂંદવા મજબુર બન્યા છે. એટલું ઓછું હોય તેવામાં જૂની મામલતદાર કચેરીમાં હાલમાં ભૂંડના ટોળાઓએ કબ્જો જમાવ્યો હોય લોકો અહીં આધારકાર્ડ કાઢવવા જવામાં પણ ડર અનુભવી રહ્યા છે.

- text

બીજી તરફ મામલતદાર સહિતના વિભાગો આધારકાર્ડ સહિતની કામગીરી માટે સેવાસેતું જેવા કાર્યક્રમોના તાયફા કરે છે તેવા સંજોગોમાં લોકોને આસાનીથી આધારકાર્ડ જેવા કામો થાય તેવી વ્યવસ્થા ગોઠવે તો પણ લોકોને મોટી રાહત મળી શકે તેમ છે પરંતુ મામલતદાર હાલમાં વંદે ગુજરાતમાં વ્યસ્ત હોય લોકોની પીડા સાંભળવા વાળું કોઈ ન હોવાનું લોકો રોષભેર જણાવી રહ્યા છે.

- text