ભટ…ભટ…ભટ… મોટા અવાજ કરતા બુલેટ ચાલકો સામે પોલીસની લાલ આંખ : 25 બુલેટ ડિટેઈન કર્યા

- text


મોડીફાઇડ સાયલેન્સર હોય તેવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી

મોરબીઃ મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભટ…ભટ…ભટ… અવાજ સાથે ધડાકા ભડાકા કરતા મોટા અવાજના સાયલેન્સરવાળા બુલેટ ચાલકોના ત્રાસથી સામાન્ય જનતા પરેશાન છે ત્યારે હોસ્પિટલ અને સ્કૂલ જેવા સ્થળોએ પણ મોટા અવાજના બુલેટ લઈને આંટાફેરા મારતાં શખ્સોની રંજાડ વધતા જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના બાદ આવા બુલેટ ચાલકો સામે અકજે કાર્યવાહી હાથ ધરીને 25 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લામાં બુલેટમાં મોડીફાઈડ કરેલા સાયલેન્સર વાળા વાહનો લઈને સિન સપાટા કરવાનો જાણે ઘણા યુવકોમાં ટ્રેન્ડ હોય તેમ આવા અવાજનુ પ્રદુષણ ફેલાવતાં વાહન ચાલકોથી સામાન્ય જનતાં પરેશાન થઈ ઉઠી છે ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સુધી આવી ફરિયાદો પહોંચતા મોરબી જિલ્લાના એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા, ટ્રાફિક શાખા તથા એલસીબી, એસઓજીની ટીમો દ્વારા પૂરપાટ ઝડપે મોટા અવાજ સાથે વાહન હંકારતા તેમજ નિયમોનો ભંગ કરતાં બુલેટ ચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી.

વધુમાં પોલીસ દ્વારા સાયલેન્સરમાંથી વિસ્ફોટક/ભયાનક અવાજ કરી ન્યુસન્સ ફેલાવતા બુલેટ ચાલકો સામે એમવી એક્ટ 207 મુજબ 25 વાહનો ડિટેઈન કરી વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા આવા બાપ કમાઈના બાબુડિયાઓમાં હાલ તો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

- text

- text