મોરબી સિરામીક ઝોનમાં 12 કલાકથી વીજળી ગુલ : ઉદ્યોગકારો આગબબુલા 

- text


પીજીવીસીએલને કરોડોની કમાણી કરાવી આપતા સીરામીક ઉદ્યોગમાં વગર કારણે પાવર કટ્ટ કરી નંખાતા વ્યાપક નુકશાન 

મોરબી : રાજ્યના વીજતંત્રને સૌથી વધુ કમાણી કરાવી આપતા મોરબી પીજીવીસીએલ વિભાગની ઘોર બેદરકારીને પાપે આજે સિરામિક ઉદ્યોગને કરોડો રૂપિયાનો ફટકો પડ્યો છે. પ્રિમોન્સુન કામગીરી અગાઉ સંપ્પન થઇ ગઈ હોવા છતાં કારણ વગર વીજતંત્રએ સિરામીક ઝોનમાં 12 કલાકથી પાવર કટ્ટ કરી નાખતા સીરામીક ઉદ્યોગની કન્ટિન્યુટી તૂટી જવા પામી હતી અને ઉદ્યોગ ચાલુ રાખવા ઉદ્યોગકારોને મોંઘાભાવનું ડીઝલ બાળી જનરેટર મારફતે કારખાના ચાલુ રાખવા પડતા દેકારો બોલી ગયો છે. જો કે, લાપરવાહ વીજતંત્રએ આ ગંભીર બાબતે જરાપણ ધ્યાન ન આપતા ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવામાં આવી હતી.

મોરબી હળવદ રોડ સિરામીક ઝોનમા છેલ્લા ૧૨ કલાકથી વધુ સમયથી પાવર પાવર કાપી નાખવામાં આવતા ઉદ્યોગકારોમાં દેકારો બોલી ગયો છે. અગાઉ પ્રિ-મોન્સુન મેઇન્ટેન્સ પણ થઈ ચૂક્યું હોવા છતાં અચાનક વીજપુરવઠો કાપી નાખવામાં આવતા સિરામીક ઇન્ડસ્ટ્રીઝની કંટીન્યુ પ્રોસેસને માઠી અસર પડી છે. આ ગંભીર મામલે સીરામીક ઉદ્યોગકારોએ રોષ સાથે જણાવ્યું હતું કે, સિરામીક યુનિટો ૨૪ કલાક કન્ટીન્યુ પ્રોશેસ યુનિટ છે, જેમા પાવરકટ પોષાય જ નહી ત્યારે આ સમયમા ડીઝલ જનરેટરમા પણ ઉદ્યોગની કમર તોડી નાંખે તેટલો ખર્ચો ચડતો હોય પોષાય તેમ નથી.

વધુમાં સિરામીક ઉદ્યોગકારોએ ઉમેર્યું હતું કે, માંડલ રોડ, માટેલ રોડ, પીપળી રોડ ઉપર આ પીડા દર વખતે હોય છે અને બેદરકાર અધિકારીઓ પોતાની મનમાની કરીને બેફીકરાઈ થી જવાબ આપે છે. જેના કારણે ઉધોગોને મોટી નુકશાનીનો ભોગ બનવુ પડે છે. આ સંજોગોમાં આ અધિકારીઓ દર વખતે સ્ટાફ ઓછા હોવાના બ્હાના કાઢીને જવાબ આપી દે છે ત્યારે હેરાન પરેશાન ઉદ્યોગોને થવુ પડે છે.

- text

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગોને સરકારી વિભાગોની કનડગત હોય તો સીધી જ ફરિયાદ કરવા જણાવ્યું હતું ત્યારે વર્ષે દહાડે સરકારને કરોડોની કમાણી કરાવતા મોરબીના સીરામીક ઉદ્યોગ પ્રત્યે પીજીવીસીએલની બેદરકારી મામલે ઉચ્ચકક્ષાએ ફરિયાદો ઉઠી હોવાનું પણ જાણવા મળે છે.

મોરબી સિરામીક ઉદ્યોગમાથી કરોડોની કમાણી કરતા પીજીવીસીએલ દ્વારા મોરબીમા સ્ટાફની અછત કેમ રાખવામા આવે છે કે પછી અધિકારીઓ આરામ કરવામા વ્યસ્ત છે તે પણ એક મોટો પ્રશ્ન છે. ત્યારે મોરબી ઔધોગીક ઝોન છે અને 80 ટકાથી વધુ યુનિટો કન્ટીન્યુ પ્રોશેસ કરતી ફેકટરીઓ છે અને પીજીવીસીએલને પણ સારી એવી કમાણી કરાવે છે ત્યારે મોરબીના ઉદ્યોગોના પાવર પ્રશ્ને સરકાર દ્વારા આ અધિકારીઓનો કાન આમળવાનો સમય આવી ગયો છે તેવુ ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.

- text