ડમ્પિંગ સાઇટને બદલે મોરબીનો કચરો રોડ ઉપર વેરણ – છેરણ

- text


નગરપાલિકાના ટ્રેકટર ચાલકની ઘોર લાપરવાહીનો વિડીયો વાયરલ

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા કચરામાંથી કાળી કમાણી કરતા કોન્ટ્રાકટરની હકાલપટ્ટી કરાયા બાદ સમગ્ર કામગીરી પાલિકાએ પોતાના હસ્તક લીધી હોવા છતાં શહેરમાંથી એકત્રિત થતો કચરો ડમ્પિંગ સાઈટ ઉપર નાખવા જતા ટ્રેકટર ચાલક નિયમ મુજબ આવા કચરાને ઢાંકીને લઈ જવાને બદલે કચરાને જાહેર માર્ગ ઉપર વેરણ – છેરણ કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે.

મોરબી શહેરમાંથી દૈનિક સેંકડો ટન કચરો એકત્રિત કરી રફાળીયા રોડ ઉપર આવેલ ડમ્પિંગ સાઇટ ઉપર ઠાલવવામાં આવે છે. છેલ્લા ત્રણેક માસથી નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને ન્યુસન્સ પોઇન્ટ ઉપરથી એકઠો થતો કચરો ઉપાડવાની કામગીરી પોતાના હસ્તક લેવામાં આવી છે ત્યારે હંગામી માણસો પાસેથી લેવામાં આવતી આ કામગીરીમાં વ્યાપક પ્રમાણમાં વેઠ ઉતારવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

- text

પાલિકાના ટ્રેકટર મારફતે શહેરમાંથી એકઠો થયેલ કચરો ડમ્પિંગ સાઇટ ઉપર ટ્રેકટર મારફતે મોરબી – લીલાપર રોડ અને રફાળેશ્વર રોડ ઉપરથી લઈ જવામાં આવે છે જો કે, પાલિકના આ ટ્રેકટર ચાલકો ટ્રેક્ટરના ઠાઠા ખુલ્લા રાખી કચરા ઉપર કોઈપણ જાતનું આવરણ રાખ્યા વગર ફૂલ સ્પીડે ટ્રેકટર ચાલવતા હોવાથી મોટાભાગનો કચરો રસ્તા ઉપર ઢોળાતો હોય છે. આ સંજોગોમાં એક જાગૃત નાગરિકે આવો નજારો મોબાઈલ કેમેરામાં કેદ કરી વાયરલ કરતા પાલિકામાં ચાલતા અંધેર વહીવટનો નમૂનો સામે આવ્યો છે.

- text