મોરબી જિલ્લાના સ્વસહાય જૂથો અને સખી મંડળોને સીસી લોનના ચેક તથા મંજૂરી હુકમો એનાયત કરાયાં

- text


આત્મનિર્ભર નારી થકી આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ગુજરાત બનાવવાની કલ્પનાને સખી મંડળની બહેનો સાકાર કરી રહી છેઃ મંત્રી બ્રિજેશભાઇ મેરજા

શ્રેષ્ઠ કામગીરી કરનાર બેંક સખી તેમજ બેંકર્સનું મહાનુભાવો હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું

મોરબી : મોરબી શહેરના ટાઉનહોલ ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિ અને સાંસદ મોહનભાઇ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વસહાય જૂથો માટેના સામૂહિક લોન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના ૨૦૨ સ્વસહાય જૂથોને ૨૭૦.૫૦ લાખના ધીરાણના ચેક અને મંજૂરીપત્રો તેમજ ૧૨૨ સખી મંડળોને ૧૮૩.૫૦ લાખની સી.સી. લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે ગ્રામિણ અને ગરીબ પરિવારની બહેનોને સ્વસહાય જૂથોમાં સખી મંડળ સ્વરૂપે સંગઠીત કરી તેમની બચત અને આર્થિક પ્રવૃતિઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરી હેઠળ અનેક મહિલા ઉત્કર્ષની યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મુકાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સ્ત્રી સશક્તિકરણના વિચારને પ્રગતિ આપી રહ્યા છે. પોતાનું કૌશલ્ય વિકસાવી લાભાર્થી સખી મંડળની બહેનોએ આત્મનિર્ભર નારી થકી આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ગુજરાત બનાવવાની કલ્પનાને સાકાર કરી રહી હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ અને સાંસદ મોહનભાઇ કુંડારીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યની બહેનો પોતાની રીતે આર્થિક રીતે પગભર બને તે માટે વધુને વધુ સખી મંડળો સ્થાપવાની ઝુંબેશ ચલાવી હતી અને આજે તેના પરિણામે લાખો બહેનનો આત્મનિર્ભર બની પોતાની રોજીરોટી સખી મંડળો દ્વારા કમાય છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાની આગેવાની હેઠળ મોરબી જિલ્લામાં ચાલી રહેલા સખી મંડળોને અને તેમાં સહભાગી બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઇ પડસુંબીયા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ભાવેશભાઇ કણઝારીયા, મંજૂલાબેન દેત્રોજા, અનીલભાઇ મહેતાએ પ્રાસંગિક ઉદબોધન કરી મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ સ્વનિર્ભર બનવા પ્રેરણા આપી હતી. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ એ મહેમાનોને આવકારી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી જ્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતાબેન જોષીએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઇ વડસોલા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર બેંક સખી તેમજ બેંકર્સનું મહાનુભાવો હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું તેમજ જિલ્લાના વિવિધ ગામોમાંથી ઉપસ્થિત રહેલ સખીમંડળ તથા ગ્રામ સંગઠનોને ચેક તથા મંજૂરી પત્રો એનાયત કરાયા હતા.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતાબેન જોષી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, અગ્રણી જિગ્નેશભાઇ કૈલા, કે.કે. પરમાર સહિતના નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો તેમજ વિવિધ બેંકના મેનેજરો તથા બહોળી સંખ્યામાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ઉપસ્થિત રહેલ સખી મંડળના બહેનો હાજર રહ્યા હતા.

- text

- text