વાંચે મોરબી… જાગે મોરબી… નહીં તો પેટ ભરીને પસ્તાશે મોરબી…

- text


સૌને સ્પર્શતા પ્રશ્ને મોરબીની જાગૃત પ્રજાની ઉદાસીનતા ભાવિ પેઢી માટે ઘાતક : મેડિકલ કોલેજ તો ઠીક સરકારી હોસ્પિટલ પણ થઈ જશે ખાનગી !!

બ્રાઉન ફિલ્ડના નામે લોકોને અંધારામાં રાખવાના ખેલમાં મોરબીના મોટા ઉદ્યોગ ગૃહને ખટાવવાનો ખેલ : છેલ્લી ઘડીએ મેડિકલ કોલેજની ખૈરાત માટેના ખેલમાં અન્ય હરીફો મેદાને ન આવતા ફરી અરજીઓ મંગાવાઈ તેવી પ્રબળ શકયતા

સરકાર મોટી કે ભાજપના પ્રમુખ ? મેડિકલ કોલેજને ખાનગી કરી નંખાઈ છતાં ભાજપ અધ્યક્ષ ગેરંટી સાથે કહે છે કે સરકારી મેડિકલ કોલેજ જ બનશે : કોંગ્રેસ, આપ અને એક સમાજ સેવી સંગઠનની લડત સાથે પ્રજા જોડાશે તો જ મોરબીનું ભાવિ ઉજ્જવળ બનશે

મોરબી : ગુજરાત સરકાર દ્વારા હેલ્થ પોલિસી 2016 અને નેશનલ મેડિકલ પોલિસી હેઠળ મોરબી જિલ્લાને મળેલી સરકારી મેડિકલ કોલેજને બદલે છેલ્લી ઘડીએ અખબારમાં ટચુકડી જાહેર ખબર આપી મોરબીની સામાન્ય પ્રજાને ન સમજાય તેવી ભાષામાં બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ એટલે કે ખાનગી મેડિકલ આપી આ મેડિકલ કોલેજ શરૂ કરવા ખાનગી પાર્ટીઓ માટે જાહેરાત આપતા જ મોરબીની જનતા સ્તબ્ધ થઈ ગઈ છે. જો કે, હાલમાં મોરબીને થયેલા હળહળતા અન્યાય મુદ્દે કોંગ્રેસ,આમ આદમી પાર્ટી, કડવા પાટીદાર કન્યા કેળવણી સંસ્થા,પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ખુદ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી છે અને કોંગ્રેસ દ્વારા તો છ દિવસના ધરણા કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીની પ્રજાને આ બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ એટલે કે ખાનગી કોલેજથી ભવિષ્યમાં થનારા નુકશાન સામે અત્યારથી જ જાગવું પડશે અન્યથા પેટ ભરીને પસ્તાવો કરવો પડશે તે હકીકત છે.

ગુજરાત સરકાર દ્વારા જે નવી હેલ્થ પોલિસી 2016ની દુહાઈ દઈ મોરબીને ગ્રીન ફિલ્ડ એટલે કે જીએમઈઆરએસ સરકાર સંચાલિતને બદલે બ્રાઉન ફિલ્ડ ખાનગી મેડિકલ કોલેજ શરૂ કરવા અચાનક જ જાહેરાત કરવામાં આવી છે તે હેલ્થ પોલિસીમાં સ્પષ્ટપણે જોગવાઈ છે કે જે જિલ્લા આર્થિક રીતે પછાત અને આદિજાતિ વિસ્તાર તે જિલ્લાની સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરીને નવી સ્વ-નિર્ભર કોલેજ શરૂ કરવી. આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે, શું મોરબી આર્થિક રીતે પછાત જિલ્લામાં સમાવિષ્ઠ છે ? શું મોરબી જિલ્લા આદિજાતિ વિસ્તાર છે ? જો નથી તો પછી શા માટે નવી પોલિસી મુજબ સરકારીને બદલે ખાનગી મેડિકલ કોલેજ આપવા જાહેરાત કરી એક માત્ર સરકારી હોસ્પિટલ પણ ખાનગી કંપનીને સોંપવા લાલ જાજમ બિછાવી છે.

- text

નવી મેડિકલ પોલિસી અંતર્ગત સરકાર દ્વારા પ્રજા કે આમ જનતા નહીં પરંતુ ખાનગી સંસ્થાને ફાયદો થાય તેવી સહાય આપવાની યોજના પણ બનાવી છે. સરકારના પરિપત્ર મુજબ નવી સ્વ નિર્ભર એટલે કે બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજના સંચાલકોને વિદ્યાર્થી દીઠ દર વર્ષે 7.5 લાખ સહાય પાંચ વર્ષ સુધી આપવાની જોગવાઈ કરવામાં આવી છે તે જોતા જો મોરબીમાં ફક્ત 100 બેઠકની મેડિકલ કોલેજ મંજુર થાય તો પણ પ્રથમ વર્ષના 7.5 કરોડ રૂપિયા સંસ્થાને મળે અને પાંચ વર્ષનો હિસાબ કરવામાં આવે તો 100 બેઠકની મેડિકલ કોલેજની ગણતરી કરતા 112 કરોડ રૂપિયા ખાનગી સંસ્થાને સરકાર તરફથી મળી શકે છે.

આશ્ચર્યની વાત તો એ છે કે મોરબીને સરકારી મેડિકલ કોલેજ મળતા કલેકટર દ્વારા શનાળા નજીક વિશાળ સરકારી જમીન ફાળવી દેવામાં આવી છે અને ગિબ્સન મિડલ સ્કૂલમાં ટેમ્પરરી કોલેજ શરૂ કરવા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવા આવી છે અને એમસીઆઈ ઇન્સ્પેક્શન બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સાથે એફિલેશનની કાર્યવાહી પણ પૂર્ણતાના આરે હતી તેવા સમયે જ મોટા વગદાર રાજ્યના પુર્વમંત્રીના આશીર્વાદની મોટા ઉદ્યોગ ગૃહના લાભાર્થે મોરબીને મળતી સરકારી કોલેજ આંચકી લેવામાં આવી હોવાનો સુર ઉઠ્યો છે. જો કે એક વાત એવી પણ આવે છે કે ગુજરાત સરકાર દ્વારા તા.10 એપ્રિલ સુધીમાં અરજીઓ મંગાવી હતી પરંતુ આ સમયગાળામાં માત્ર એકાદ બે અરજી આવી હોવાથી ફરી પાછી અરજીઓ મંગાવવામાં આવે તેવી શક્યતા વચ્ચે હાલમાં મોરબીના મોટા ઉદ્યોગપતિ દ્વારા ગાંધીનગર સચિવાલયના આંટાફેરા વધારવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવે છે.

જો કે, આ બધા વચ્ચે મોરબીની પ્રજાએ બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ શું છે અને આ બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ શરૂ થયા બાદ સરકારી હોસ્પિટલની સુવિધા પણ ખાનગી હાથમાં સરકી જ જશે તે અંગેનો સરકારનો જ પરિપત્ર વાંચવો જ રહ્યો.

બ્રાઉન્ડ ફિલ્ડ મેડિકલ કોલેજ અંગેનો સરકારી પરિપત્ર ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો..

https://morbiupdate.com/wp-content/uploads/2022/04/GR_Scheme_Brown_Field_Medical_College_MCG-2016-SFS-7-J_13_12_2016-G-1-1.pdf

- text