20 અને 21 એપ્રિલે માવઠું ખાબકવાની હવામાન વિભાગની આગાહી

- text


પ્રિમોન્સુન એક્ટિવિટી વહેલી શરૂ થશે, ચોમાસુ પણ વહેલું : સચોટ આગાહી કરતા અંબાલાલ પટેલના મતે ૨૫ મે થી ૮ જુન વચ્‍ચે વરસાદનો પ્રથમ રાઉન્ડ

મોરબી : ઓણસાલ રાજ્‍યમાં ગરમી ભુક્કા બોલાવી રહી છે ત્યારે ચોમાસા અંગે સચોટ આગાહી કરતા અંબાલાલ પટેલ દ્વારા ઓણસાલ ચોમાસુ વહેલું બેસવાની આગાહી કરી છે સાથોસાથ હવામાન વિભાગ દ્વારા આગામી તા.20 અને 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદી ઝાપટા વરસવાની આગાહી કરવામા આવી છે.

જાણીતા હવામાન આગાહી કરતા અંબાલાલ પટેલના અકિલા સાંધ્ય દૈનિકમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ રાજ્‍યમાં આ વર્ષે ચોમાસાની વહેલી શરૂઆતમાં સારો વરસાદ થશે, ચોમાસાની શરૂઆતમાં કચ્‍છ, સૌરાષ્‍ટ્રમાં સારા વરસાદની શકયતાઓ તેઓએ સેવી છે. ઉત્તર ગુજરાત, મધ્‍ય ગુજરાતમાં પણ આ સિઝનમાં વરસાદ સપ્રમાણ રહેવાની આશા તેઓએ વ્યક્ત કરી છે. તેમના મતે એપ્રિલ મહિનાથી હવામાનમાં પલટો આવશે જે ૧૭ મે સુધી ચાલશે. પ્રિ મોનસૂન પ્રક્રિયા વહેલી શરૂ થશે, ચોમાસુ વહેલુ શરૂ થશે તેમજ આ વખતે ૨૫ મે થી ૮ જૂન વચ્‍ચે વરસાદ પણ સારો રહેશે. આ સંજોગોમાં હવામાન વિભાગ દ્વારા સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, દાહોદ, અમરેલી અને ભાવનગરમાં આગામી તા. 20 અને 21 દરમિયાન કમોસમી વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

- text

આ વર્ષે હોળીની જ્‍વાળા અને પવનની દિશા પરથી વરસાદ અને ગરમીના વરતારા કરી અંબાલાલ પટેલે ઉમેર્યું હતું કે, હોળીની જ્‍વાળાઓ વાયવ્‍ય દિશા બાજુ દેખાઈ હતી જેથી ચોમાસાની શરૂઆતમાં ભારે પવન સાથે વરસાદ આવશે. તેમજ વર્ષ દરમિયાન આંધીઓનું પ્રમાણ વધશે અને સમુદ્રમાં ભારે ચક્રવાતો સર્જાય તેવી શકયતા છે. તો બીજી તરફ આ વખતે ઉનાળો કાળઝાળ રહે તેવા એંધાણ પણ તેમને વ્યક્ત કર્યા હતા.

અંબાલાલ પટેલના જણાવ્‍યા અનુસાર ૨૦ એપ્રિલ બાદ ગરમીનું પ્રમાણ ખુબ વધી જશે, ૨૬ એપ્રિલ બાદ ગરમીનો પારો ૪૬ -૪૭ ડિગ્રી સુધી પહોંચશે વધારે ગરમીના કારણે વરસાદ પણ ભારે આવશે અને સાથે આંધી અને તોફાનો પણ લાવશે. ખાનગી હવામાન આગાહી કરતી સંસ્થા સ્કાયમેટના મતે આ વર્ષે ૪ મહિનામાં વરસાદ ૯૮ ટકા રહેવાની શકયતા છે. જૂનથી સપ્‍ટેમ્‍બર વચ્‍ચે ભારતાં ૮૮૦.૬૦ મીમી વરસાદની શકયતા છે. તેમજ દેશમાં સંપૂર્ણ પણે ૯૮ ટકા વરસાદ પડી શકે છે.

- text