મોરબીને સરકારી મેડિકલ કોલેજ જ મળશે ! જિલ્લા ભાજપ પ્રમુખની ગેરંટી

- text


કોંગ્રેસના મેરેથોન ધરણાની જાહેરાત થતા જ ભાજપ અકળાયું : તાત્કાલિક પ્રેસનોટ રિલીઝ કરી કોંગ્રેસ પ્રજાને ગુમરાહ કરતી હોવાનું નિવેદન આપ્યું

મોરબી : ગુજરાત સરકારે એક જ ઝાટકે મોરબીને સરકારી મેડિકલ કોલેજને બદલે બ્રાઉન ફિલ્ડ એટલે કે ખાનગી સંસ્થા (ઉદ્યોગ ગૃહ) સંચાલિત મેડિકલ કોલેજ આપવામાં આવશે તેવી જાહેરાત કરતા જ ભારે વિરોધ વંટોળ ઉઠતા ખુદ જિલ્લા ભાજપ અધ્યક્ષ અને મોરબીના ધારાસભ્યો ગાંધીનગર આરોગ્ય મંત્રી પાસે દોડી ગયાની હકીકત વચ્ચે આજે કોંગ્રેસે આવતીકાલથી સરકારી મેડિકલ કોલેજ મામલે મેરેથોન ધારણા યોજવા જાહેરાત કરતા જ ભાજપ દોડતું થયું છે અને જિલ્લા ભાજપ અધ્યક્ષે મોરબીને સરકારી મેડિકલ કોલેજ જ મળશે તેવી ગેરંટી આપતી પ્રેસનોટ રિલીઝ કરી કોંગ્રેસ મોરબીની પ્રજાને ગુમરાહ કરી રહી હોવાનું જણાવ્યું છે.

મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડીની સહીથી ભારતીય જનતા પક્ષ દ્વારા પ્રેસનોટ રિલીઝ કરી જણાવાયું છે કે, કોંગ્રેસ દ્વારા મેડીકલ કોલેજ અંગે આજરોજ જે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે તે મોરબી જીલ્લાની પ્રજાને ગુમરાહ કરવા માટેનો પ્રયાસ છે. કોંગ્રેસે પોતાના ૭૦ વર્ષના શાસનકાળમાં મોરબી જીલ્લાના તાલુકાઓમાં શું વિકાસ કર્યો છે તે પ્રજા જાણે છે. માટે પ્રજા કોંગ્રેસને જાકારો આપી રહી છે. મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા મેડીકલ કોલેજ માટે ઉપવાસ આંદોલન કરી પ્રજાને ગુમરાહ કરવાના જે પ્રયત્નો કરે છે તેને મોરબી જીલ્લા ભાજપના પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરીયા જીલ્લા ભાજપના આગેવાનોએ આ કૃત્યની ઘોર આલોચના કરી છે.

- text

વધુમાં જણાવ્યું છે કે, મોરબી જીલ્લાને મળેલ સરકારી મેડીકલ કોલેજ અંગે ગત તારીખ ૧૩–૦૪–૨૦૨૨ ને બુધવારના રોજ મળેલ બેઠકમાં રાજય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા, પ્રદેશ અગ્રણી રાઘવજીભાઈ ગડારા, અનિલભાઈ મહેતા, મોરબી જીલ્લાના સંગઠનના પ્રભારી ભાનુભાઈ મેતા, મોરબીના આગેવાન વેલજીભાઈ બોસ, મહામંત્રી રણછોડભાઈ દલવાડી, જયુભા જાડેજા, જેસંગભાઈ હુંબલ તેમજ મોરબી–માળીયા વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના પંચાયત અને શ્રમ મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શીહોરા, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, શહેર ભાજપ મહામંત્રી રીશીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા તથા ઈન્ડીયન મેડીકલ એસોસીએશનના આગેવાનોને સાથે રાખી મોરબીની મેડીકલ કોલેજ સરકારી મેડીકલ કોલેજ તરીકેની માન્યતા ચાલુ રહે તે અંગે મીટીંગ દરમિયાન રજુઆત કરવામાં આવેલ હતી. આરોગ્ય મંત્રીએ સર્વે આગેવાનોને પુર્ણ ખાતરી આપેલ હતી કે અગાઉ મોરબી જીલ્લામાં જે કોલેજ મંજુર થઈ હતી એ જ પ્રમાણે રહેશે. કોઈપણ જાતનો એમાં બદલાવ કરવામાં આવશે નહિ તેવી ખાતરી આપેલ છે.

મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટી તેમજ આગેવાનો અને કાર્યકર્તાઓ મોરબી જીલ્લાની દરેક પ્રજાને સરકારની સુશાસનની સુવિધાઓ છેવાડાના માનવી સુધી સરકારી ધોરણે મળી રહે તે માટે હરહંમેશ સંકલ્પિત છે અને સદાય સંકલ્પિત રહેશે તેવું જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ અંતમાં જણાવ્યુ છે.

- text