ડોન બનવા વેપારીને ગોળી ધરબી ખંડણી માંગનાર ત્રિપુટી ઝડપાઇ

- text


 

બે સગા માસિયાઈ ભાઈ અને એક અન્ય શખ્સ પોલીસની ગિરફતમાં, ત્રણેયની ઉંમર 19થી 21 વર્ષ

ટંકારા : ટંકારાના વેપારીઓ પાસે ફોનમા ધમકી આપી ખંડણી માંગી તેમજ એક વેપારીને ગોળી ધરબી દેનાર ત્રિપુટી પોલીસની ગિરફતમાં આવી ગઈ છે. આ ત્રણેય શખ્સ હજુ 19થી 21 વર્ષના જ હોય છતાં ક્રાઇમની દુનિયામાં તેને ભયાનક રીતે પ્રવેશ કરતા પોલીસ પણ સ્તબ્ધ બની છે.

પ્રાપ્ત વિગત અનુસાર ટંકારા પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં અલગ અલગ વેપારીઓને કોઇ અજાણ્યા ઇસમોએ જુદા જુદા અજાણ્યા ફોન નંબર ઉપરથી ફોન કરી તેઓને તથા તેઓના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી જુદી જુદી રકમની માંગણી ખંડણી પેટે કરેલ હોય પોલીસ દ્વારા બનાવ અંગે તપાસનો ધમધમાટ ચલાવવામાં આવ્યો હતો.

તપાસ બાદ પોલીસે યોગેશ રવિન્દ્રભાઇ પાવરા ઉ.વ.21 રહે. ટંકારા લતીપર રોડ, હર્ષીત બેચરભાઇ ઢેઢી ઉ.વ.19 રહે. હાલ- ટંકારા ધર્મભકિત સોસાયટી તા-ટંકારા અને પ્રિન્સ જીતેન્દ્રભાઇ અધારા ઉ.વ.20 રહે. ટંકારા લો વાસ તા-ટંકારાવાળાને પકડી પાડ્યા છે. આરોપીઓની પુછપરછ દરમ્યાન તેમના ફોનમાં અલગ અલગ એપ્લીકેશન ડાઉનલોડ કરી તેના મારફતે ફરીયાદી સરીતા સેલ્સ એજન્સીના વેપારી અરવિંદભાઇ સવજીભાઇ કકાસણીયાને તેના પરીવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ. 10 લાખની માંગણી કરેલ તેમજ ભારત રેફિઝરેટરના માલીક અશોકભાઇ મોહનભાઇ મુછાળાને તેમના દિકરા જયને મારી નાખવાની ધમકી આપી રૂ. 5 લાખની માંગણી કરેલની કબુલાત આપતા અટક કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ. તેમજ તપાસ દરમ્યાન આરોપીઓને યુકિત પ્રયુકિતથી સધન પુછપરછ કરતા આરોપીઓએ ગુનાહીત કાવતરુ રચી સરીતા સેલ્સ એજન્સીની દુકાને રેકી કરી તેના માલીક સવજીભાઇ કાકાસણીયાની ફાયરીંગ કરી હત્યા કરેલની કબુલાત આપેલ હતી.

પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-3 તથા ગુન્હામાં વપરાયેલ બજાજ કંપનીનું કાળા કલરનું પ્લેટીના -100 મોટરસાયકલ કબજે કરેલ છે. આ કામગીરીમાં એલ.સી.બી. પી.આઇ. એમ.આર.ગોઢાણીયા તથા પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી, એન.એમ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા પો.સબ.ઇન્સ. બી.ડી.પરમાર, ટંકારા પો.સ્ટે.ના પોલીસ હેડ કોન્સટેબલ વિજયભાઇ નાગજીભાઇ બાર, સાહીદભાઇ સીદીકી, મુકેશભાઇ ચાવડા, પો.કોન્સ. બીપીનકુમાર શેરસીયા, સિધ્ધરાજસિંહ રાણા, સાગરભાઇ કુરીયા, કૌશીકભાઇ પઢેરીયા, પ્રકાશભાઇ ડાંગર, ખાલીદખાન પઠાણ, વિપુલભાઇ બાલાસરા રોકાયેલ હતા.

ત્રણેય જુવાનીયાવને ડોન બનવાનો શોખ હતો, શરીર બનાવવા જિમ જતા

આરોપી પ્રિન્સના પિતાને પાનનો ગલ્લો છે. તે અવારનવાર સોપારી લેવા મૃતક સવજીભાઈની દુકાને આવતો હતો. જ્યારે યોગેશ અને હર્ષિત બન્ને માસિયાર ભાઈ થાય છે. ત્રણેયને ડોન બની ધાક જમાવવાનો શોખ હતો. હર્ષિત જ્યાં ઇલેક્ટ્રિક કામ કરતો ત્યાં પણ ખંડણી માંગી હતી. તેને કચ્છી ભાષામાં વાત કરી હતી. ત્રણેય શરીર બનાવવા જીમમાં પણ જતા હતા.

- text

પરિવારને જાણ જ નહોતી સવજીભાઈની હત્યા થઈ છે

ત્રણેય શખ્સોએ સરીતા સેલ્સ એજન્સીની દુકાને રેકી કરી તેના માલીક સવજીભાઇ કાકાસણીયાને માથામાં ગોળી ધરબી હત્યા કરી નાખી હતી. પરિવારને એમ થયું કે સવજીભાઈને એટેક આવ્યો તેમાં પડ્યા અને માથામાં ઇજા પહોંચી છે. આ વેળાએ જ ડોકટરોની હડતાલ ચાલતી હોય તેઓએ પીએમ ન કરવાનો નિર્ણય લઈ અંતિમ વિધિ કરી નાખી હતી.

મૃતક સવજીભાઈ

- text