ટંકારાના કર્મચારીઓએ જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા ધારાસભ્યને આવેદન આપ્યું

- text


” જૂની પેન્શન યોજના અમારો હક છે અને અમે એ લઈને જ જંપીશું ” એવો બુલંદ સૂર ઉઠાવ્યો

ટંકારા : સરકારી કર્મચારીઓને અન્યાયકર્તા એવી નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા માટે કર્મચારીઓ મેદાને આવ્યા છે. ગુજરાત રાજ્યના અલગ અલગ વિભાગના કર્મચારીઓ સંગઠનોએ ભેગા મળીને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાની રચના કરી જૂની પેન્શન યોજના લાગુ કરવાની લડતના કાર્યક્રમના આપ્યા છે.આજ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરી નવી પેન્શન યોજનાનો વિરોધ કર્યો હતો.

આજે તા.14ના રોજ ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીને પેન્શન બંધારણ અધિકાર દિવસ મનાવીને ટંકારા તાલુકાના સંયુક્ત કર્મચારી મોરચા તેમજ ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટંકારાના ધારાસભ્ય લાલિતભાઈ કગથરાને જૂની પેન્શન યોજના ચાલુ કરવા બાબતે આવેદનપત્ર આપ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં ડો. બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.ત્યારબાદ નવી પેન્શન યોજના બંધ કરવાની લડતના સમગ્ર કાર્યક્રમ વિશેની રૂપરેખા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ ઉપપ્રમુખ શૈલેષભાઈ સાણજાએ આપી હતી.ત્યારબાદ ટંકારા-પડધરી મત વિસ્તારના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ તમામ કર્મચારીઓની માંગણી સરકાર સમક્ષ પહોંચાડવાની ખાતરી સાથે ઉદબોધન કર્યું હતું. અંતમાં જયેશભાઇ પાડલીયા દ્વારા આવેદનપત્રનું વાંચન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ તમામ કર્મચારીઓ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર અર્પણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મીડિયા સેલ કન્વીનર કલ્પેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ તકે ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છાયાબેન માકાસણા, મહામંત્રી વિરમભાઈ દેસાઈ, ઉપપ્રમુખ કૌશિકભાઈ ઢેઢી, માધ્યમિક શિક્ષક સંઘમાંથી બળદેવભાઈ કાનાણી, તાલુકા પંચાયત કર્મચારીઓમાંથી જતીનભાઈ ચાવડા તેમજ ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો તેમજ અન્ય કર્મચારીઓ જોડાયા હતા અને ” જૂની પેન્શન યોજના અમારો હક છે અને અમે એ લઈને જ જંપીશું ” એવો બુલંદ સૂર ઉઠાવ્યો હતો.

- text

- text