મોરબીમાં “પાંખ મળે તો” પુસ્તક વિમોચન સમારોહ યોજાયો 

- text


સમારોહમાં ગુજરાત બાલ સાહિત્ય અકાદમીના સ્થાપકની વિશેષ ઉપસ્થિતિ

મોરબી : મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક અને કવિનું બાળકાવ્ય સંગ્રહ ‘પાંખ મળે તો…’ પુસ્તકનો વિમોચન સમારોહ ગુજરાત બાલ સાહિત્ય અકાદમીના સ્થાપકની ઉપસ્થિતિમાં ગત તા.10ને રવિવારના રોજ યોજાઈ ગયો.મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક અને કવિનું અગાઉ પણ એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક અને કવિ સંજય બાપોદરિયા ‘સંગી’ના બાળકાવ્યસંગ્રહ ‘પાંખ મળે તો…’ પુસ્તકનો વિમોચન સમારોહ મોરબીની તાલુકા શાળા નં.1 ખાતે યોજાયો હતો. કવિ ‘સંગી’નું આ બીજું બાળકાવ્યસંગ્રહનું પુસ્તક પ્રકાશિત થયું છે.આ અગાઉ વર્ષ 2018માં તેમનું પ્રથમ બાળકાવ્ય સંગ્રહ પુસ્તક ‘પતંગિયું કેવું મજાનું!’ પ્રકાશિત થયું હતું.

આ પુસ્તક વિમોચન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે બાલ સાહિત્ય અકાદમીના સ્થાપક,અગ્રણી સર્જક,નવલકથાકાર,અનુવાદક,

સંપાદક અને પત્રકાર એવા યશવંત મહેતા,મોરબીના નિષ્ણાંત બાળરોગ તબીબ અને સાહિત્યકાર/લેખક ડૉ. સતીશ પટેલ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ એમ.સોલંકી,શિક્ષક અને હાસ્ય-વ્યંગ લેખક એવા ડૉ. અમૃત કાંજિયા તેમજ કવિ-લેખક શૈલેષ કાલરિયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.આ ક્ષણે કેળવણીકાર ડૉ.હાજીભાઈ બાદી,ગઝલકાર કાયમ અલી હજારી અને પુસ્તક પ્રેમી એવા ઘનશ્યામભાઈ ડાંગરનો શુભેચ્છા સંદેશ મળ્યો હતો.

આ સમારોહ અંતર્ગત મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્યાધ્યક્ષ નિતેશભાઈ એન.રંગપડિયા મોરબી મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ વિનોદભાઈ ગોધાણી,મોરબી જિલ્લા શૈક્ષીક સંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા,સ્વરાંગન સ્ટુડિયોના હંસરાજભાઈ ગામી,યોગેન્દ્રભાઈ આડેસરા,ચંદુભાઈ દલસાણિયા ,શિક્ષક અને બાળ સાહિત્ય લેખક એવા પ્રકાશ કુબાવત ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

વિમોચન સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી થઈ હતી.સર્વે મંચસ્થ મહેમાનોનું પુષ્પ પાંદડીથી સ્વાગત આર્યા રૂપાલા દ્વારા થયું હતું.સંજય બાપોદરિયાના પત્ની મનીષાબેન દ્વારા સર્વે મહેમાનો અને ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત થયું હતું.સર્વે મહેમાનોના હસ્તે બાળકાવ્ય સંગ્રહ ‘પાંખ મળે તો…’ નું વિમોચન થયું હતું.સંજય બાપોદરિયાએ તેમના આ દ્વિતીય બાળકાવ્યસંગ્રહ વિમોચન અને પ્રકાશન અંગે પિતા અને સ્વ.માતૃશ્રીના આશીર્વાદ, પત્ની મનીષા અને પુત્ર અભિની પ્રેરણાને યાદ કરી તેમના આ પુસ્તક સર્જનમાં મદદકર્તા સર્વે ચિત્રકારો,સાહિત્યકાર મિત્રો અને પ્રકાશકનો આભાર વ્યક્ત કરી પોતાના આ બાળકાવ્ય સંગ્રહ વિશે પ્રતિભાવો પ્રસ્તુત કર્યા હતા.ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો દ્વારા કવિ ‘સંગી’ને બાળસાહિત્ય ક્ષેત્રે તેમના અદકેરા પ્રદાન બદલ શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા. કવિ ‘સંગી’ બાળકાવ્યો, કાવ્યો ,ગીતો અને ગઝલોની રચના કરે છે.

અનેક સામયિકો,મેગેઝિનો અને વર્તમાનપત્રોમાં તેમની રચનાઓ સમયાંતરે પ્રકાશિત થતી રહે છે.તેમના પ્રકાશિત થયેલ બંને બાળકાવ્ય સંગ્રહ ગુજરાત સાહિત્ય અકાદમીના આર્થિક સહયોગથી પ્રકાશિત થયેલ છે.કવિ ‘સંગી’નો આ બાળકાવ્ય સંગ્રહ સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થાય તેવી શુભકામના સર્વે મહાનુભાવો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. મોરબીના શિક્ષકો દ્વારા થઈ રહેલ સાહિત્ય સર્જન બદલ શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ વિમોચન સમારોહમાં શિક્ષકો અને સાહિત્યરસિક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

- text

ગૌશાળા પ્રાથમિક શાળા પરિવાર અને તાલુકા શાળા નં.1ના શિક્ષક મહાદેવભાઈ તેમજ મિત્રમંડળ શિક્ષકો દ્વારા વ્યવસ્થા બાબતે જહેમત ઉઠાવી માત્ર એક જ દિવસની તૈયારી સાથે આ વિમોચન સમારોહ સફળ બનાવ્યો હતો. શિક્ષક અને પરિવારના સદસ્ય એવા યોગેશ બાપોદરિયા દ્વારા આભારદર્શન પ્રસ્તુત થયું હતું. ઘુનડા (સ.) પ્રાથમિક શાળાના શિક્ષક શૈલેષ ઝાલરિયા અને રાજેશ મોકાસણા દ્વારા આ પુસ્તક વિમોચન સમારોહનું સંચાલન કરવામાં આવ્યું હતું.અંતમાં જય બાલક, જય બાલ સાહિત્ય અને જય બાલસાહિત્યકારના જયઘોષ સાથે આ સમારોહ પૂર્ણ જાહેર થયો હતો.

- text