હળવદમાં મરવાની મનાઈ : મોક્ષધામમાં છાણાં – લાકડા ખૂટી પડયા

- text


નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં છેલ્લા 15 દિવસથી લાકડા-છાણાં ન હોવાથી અંતિમક્રિયામાં મુશ્કેલી : સ્મશાનનું સંચાલન ન થઈ શકે તો સેવાભાવી સંસ્થાને સંચાલન સોંપવા ટકોર

હળવદ : છોટીકાશી ગણાતા હળવદમાં મરવાની મનાઈ છે…. વાંચીને આશ્ચર્ય જરૂર થશે પરંતુ આ હકીકત છે. કોરોના કાળમાં ટપોટપ માનવ મૃત્યુને કારણે રાજ્યના અનેક સ્મશાનોમાં છાણાં – લાકડા ખૂટી પાડવાની ઘટનાઓ સામાન્ય બની હતી ત્યારે હળવદમાં છેલ્લા પંદર દિવસથી નગરપાલિકાના નિષ્ઠુર તંત્રના પાપે મોક્ષધામ છાણાં – લાકડાનો જથ્થો ખૂટી પડતા અંતિમક્રિયા માટે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રાચીન મંદિરોની નગરી એવા છોટા કાશી હળવદમાં વર્ષોથી નગરપાલિકા દ્વારા સ્મશાનનું સંચાલન કરવામાં આવે છે પરંતુ નગરપાલિકના ચૂંટાયેલા પ્રમુખ,સભ્યથી લઈ ચીફ ઓફિસર સુધીના અધિકારી, પદાધિકારી માનવતા ચુક્યા હોય તેવા ઘાટ વચ્ચે છેલ્લા 15 દિવસ કરતા વધુ સમયથી અહીંના મોક્ષધામમાં છાણા અને લાકડાનો જથ્થો ખૂટી પડતા અંતિમવિધિ માટે આવતા લોકોને અંતિમક્રિયા માટે રઝળપાટ કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે.

હળવદના મુક્તિધામમાં માનવતા શરમાઈ તેવી અક્ષમ્ય બેદરકારી અંગે હળવદના સેવાભાવી રાવલ વિજયચંદ્રભાઈએ જણાવ્યું હતું કે હળવદમાં સ્મશાનનું સંચાલન નગરપાલિકા પાસે છે ત્યારે અવાર-નવાર આવી બેદરકારી જોવા મળે છે. પાલિકાના ચીફ ઓફિસર કે ચૂંટાયેલા નેતાઓ આ ગંભીર બાબતે ધ્યાન આપતા ન હોય જે પરિવારમાં સ્વજનનું મૃત્યુ નીપજ્યું હોય તેવા પરિવારો ઉપર અંતિમ સમયે વધારાની આફત આવે છે.

- text

આ સંજોગોમાં સેવાભાવી વિજયચંદ્રભાઈએ ઉમેર્યું હતું કે જો, પાલિકા તંત્ર સ્મશાનનું સંચાલન કરી શકવા સક્ષમ ન હોય તો કોઈ સેવાભાવિ સંસ્થાને સંચાલન સોંપવું જોઈએ જેથી કરીને છોટીકાશીનું બિરુદ ધરાવતા હળવદમાં રહેતા નાગરિકોને અંતિમવિધિ સમયે અહીંતહીં ભટકવું ન પડે.

- text