મોરબીમાં લાયન્સ કલબ તથા ઉમા ટાઉનશીપ દ્વારા રકતદાન કેમ્પ

- text


૧૦૧મી વખત રકતદાન કરનાર કાંતિલાલભાઈ અને ૬૦મી વખત રકતદાન કરનાર મનુભાઈનું સન્માન

મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તથા ઉમા ટાઉન શીપ પરિવાર દ્વારા રકતદાન કેમ્પનું આયોજન સંપન્ન થયું હતું.

રકતદાન જરૂરીયાતમંદોને નવું જીવન આપે છે, તેવી ઉમદા ભાવનાથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આશરે ૮૦ જેટલાં ભાઈઓ અને બહેનોએ પોતાનું લોહી દાન કરી સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કર્યુ છે. આ રકતદાન કેમ્પમાં સિવિલ હોસ્પિટલ મોરબી અને સંસ્કાર બ્લડ બેન્કની ટીમના વોલિયન્ટરો દ્વારા લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પ યુનિક સ્કૂલ મોરબીમાં યોજવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં જે લોકોએ રકતદાન કર્યુ તે તમામ દાતાઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ સમાજના સેવા કાર્યમાં હરહંમેશ આર્થિક યોગદાન આપે છે તેવા જયદીપ એન્ડ કંપનીના મોભી દિલુભા જાડેજા તરફથી મોમેન્ટો આપીને દરેક રક્તદાતાને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ રકતદાન કેમ્પમાં વયશનાણી કાંતિલાલભાઈએ ૧૦૧મી વખત રકતદાન કર્યુ અને તેઓએ જણાવ્યું કે પોતાનું જીવન પૂરું થાય ત્યારે અંગદાનનો પણ
સંકલ્પ કર્યો, સાથે પરિવારની સંમતિ સાથેનું સ્વૈચ્છીક સંમતિપત્રક ભરી દીધુ હતું. તેમજ મનુભાઈ જાકાસનિયાએ ૬૦મી વખત રકતદાન કર્યુ હતું. બંને વ્યક્તિઓનું સંસ્થા દ્વારા અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.

- text

આ કેમ્પને સફળ બનાવવા પ્રેસિડેન્ટ ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, રીજીયન ચેરપર્સન રમેશભાઇ રૂપાલા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડિયા, પ્રોજેક્ટ ચેરમેન મનુભાઈ જાકાસનીયા, દીપકભાઈ દેત્રોજા, મણીલાલ કાવર, મહાદેવભાઈ ચિખલીયા તથા ઉમા ટાઉનશિપ પરિવારના રતિલાલ ભાલોડિયા અને તેની સમગ્ર ટીમ સાથે મળી આ સેવાયજ્ઞને સફળ બનાવવા અથાગ સેવા આપેલ હતી. રકતદાન કેમ્પમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, અમરસીભાઈ અમૃતિયા, ઉમા ટાઉન શીપના પ્રમુખ પ્રકાશ ફુલતરિયા, ગોપાલભાઈ સરડવા ખાસ હાજરી આપીને સેવાકાર્યને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા, તેમ પ્રમૂખની યાદીમાં જણાવેલ છે.

- text