દુનિયાભરના માર્કેટ પર ચાઈના કેમ રાજ કરે છે? આ મુદ્દે વિગતવાર ચર્ચા કરતા જયસુખભાઈ પટેલ

- text


ચાઈનીઝ ડ્રેગનના માર્કેટ વિજયનું સિક્રેટ, જાણો.. ઉદ્યોગકાર જયસુખભાઈ પટેલના શબ્દોમાં..

ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલે ‘સમસ્યા અને સમાધાન’ પુસ્તકમાં ચાઈનાની તમામ સફળતા, વિકાસ અને પ્રગતિનો ભેદ ઉકેલી નાખ્યો છે


દુનિયાભરની બજારોમાં આજે ચાઈના પોતાની કન્ઝયુમર પ્રોડકટના કારણે છવાઈ ગયું છે. એમ કહી શકો કે, ચાઈના માર્કેટે આખા વિશ્વ બજારને પોતાના કાબુમાં કરી લીધું છે. ચાઈના પ્રોડકટની ઓછી કિંમતને કારણે લોકો ચાઈનાની વસ્તુ ખરીદવા લલચાય છે. આર્થિક પાસાંની વાત આવે તેમજ ખિસ્સાને અસર કરે ત્યાં સારાસારનો વિવેક અને રાષ્ટ્રભાવના કોરાણે મૂકાય જાય છે અને ઓછી કિંમતના કારણે સૌ ચાઈના પ્રોડકટ ખરીદે છે. ચાઈનાની વસ્તુઓની કિંમત કેમ ઓછી હોય છે? અને આપણા ભારત દેશની વસ્તુઓ મોંઘી કેમ છે? તેની પાછળ ‘મેન્યુફેકચરીંગ કોસ્ટ’ કારણરૂપ છે. ચાઈનામાં પ્રોડકશન કોસ્ટ ઓછી આવે એટલે ચાઈના આખી દુનિયામાં કન્ઝયુમર પ્રોડકટ પર રાજ કરે છે. શા માટે ચાઈનામાં પ્રોડકશન કોસ્ટ ઓછી આવે છે અને કયા કારણોસર ભારતમાં પ્રોડકશન કોસ્ટ વધુ આવે છે?

ભારતવાસીઓને મુંઝવતા ઉપરોકત સવાલોના જવાબો સમજાવતો લેખ મોરબી સ્થિત ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલે પોતાના પુસ્તક ‘સમસ્યા અને સમાધાન’માં લખ્યો છે. તેમણે આ લેખમાં ચાઈના અને ઈન્ડિયાની સરખામણી તેમજ મેન્યુફેકચરીંગ કોસ્ટને અસર કરતાં મુદ્દાઓ સમજાવ્યા છે. જેમાં તેમણે મુખ્યત્વે ચાઈના અને ઈન્ડિયાની કમ્પેરિઝન કરી ‘મેન્યુફેકચરીંગ કોસ્ટ’ને સ્પર્શતી બાબત તથા ‘ઈન્વેન્ટરી’ કોસ્ટ કાચા તથા પાકા માલના ‘સ્ટોક’ બાબત ઉપર સવિસ્તાર ચર્ચા કરી છે. ભારતની પ્રોડકશન કોસ્ટ વધુ રહેવાના કારણો આપ્યા બાદ તેઓ આગળ જણાવે છે કે..

ચાઈનામાં દરેક સરકારી ઓફિસમાં ‘આઉટપુટ અને ‘એકાઉન્ટીબીલિટી’ નિશ્ચિત છે. કર્મચારી અને અધિકારીઓ ગર્વમેન્ટ ઓફિસમાં જવાબદારી સાથે કામ કરે છે, જયારે આપણા ઈન્ડિયામાં તદ્દન ઉલટું છે. કોઈ જ જવાબદારી કે ફરજ જેવું છે જ નહી. ‘ગર્વમેન્ટ’ ઓફિસમાં ફક્ત ટાઈમ પાસ કરવા અને હાજરી પુરાવવાને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. ઓછું કામ કરવા અથવા ન કરવાની માનસિકતા સાથે જ આપણે ત્યાં લોકો ‘કામ’ ઉપર આવે છે, ‘ન નડવા’ માટેની ‘લાલચ’ અને વધારે સમય અને કામ ન કરવાની માનસિકતા સામાન્ય થઈ ગઈ છે, જેના કારણે ભારતમાં કોઈપણ સરકારી કામ ચીનની સરખામણીમાં બહુ જ વધારે સમય લે છે અને કામ સમયસર કરાવવા કે એ થતું હોય ત્યારે ‘ન નડવા’ માટે ધરાવવી પડતી પ્રસાદી પણ ભારતીય પ્રોડકટને મોંઘી બનાવે છે!

ચાઈનામાં કોઈપણ પ્રોડકટ મેન્યુફેકચરીંગ કરવા માટે ‘કેપિટલ’ રોકાણ ઓછું કરવું પડે છે કારણ કે ચાઈનામાં ‘સ્મોલ’ અને ‘કોટેજ’ ઈન્ડસ્ટ્રીઝ ધરાવતા ઢગલાબંધ લોકો છે. તેઓ કમ્પોનન્ટ, પાર્ટસ, સેમી મેન્યુફેકચરીંગ કમ્પોનન્ટ તથા અન્ય ઘણા બધા વર્કપ્રોસેસર, મોલ્ડ, ટૂલ્સ, જીગ્સ, વગેરે બનાવે છે. આવા નાના કુટીર ઉદ્યોગ ધરાવતા લોકોને આ ‘વર્ક’માં માસ્ટરી ધરાવતાં હોય છે. એકદમ નાના હોવાને કારણે ડિલિવરી, ઓવરહેડ જેવા અન્ય ખર્ચાઓ તેઓને બહુ જ ઓછા હોય છે. મોટા જથ્થામાં ઓછા પ્રોફિટથી તેઓ કામ કરતાં હોય છે. ઈન્ડિયામાં આવું નથી. ફેકટરીવાળાએ બધું જ કરવું પડે છે. ચાઈનામાં નાના લોકો બજારમાંથી ‘વેસ્ટ’ પરચેઝ કરીને અને કોઈપણ પાર્ટસ કે કમ્પોનેટ બનાવવામાં ઓછામાં ઓછો ‘વેસ્ટ’ નીકળે એવી રીતે અલગ અલગ કંપનીની જરૂરીયાત મુજબ બનાવતાં હોય છે સાથે સાથે તેઓ ‘રી પ્રોસેસીંગ’ મટિરીયલ્સ વાપરતા હોવાથી ‘કોસ્ટ’ ઘણી જ ઓછી આવતી હોય છે. આ ‘ચાઈના’ની રીસાઈકલીંગની માસ્ટરી છે. જે આપણી પાસે નથી, તેમ જયસુખભાઈ પટેલ લખે છે.

આ મુદ્દો સમજાવવા માટે જયસુખભાઈ પટેલ મોરબીની ક્લોક ઇન્ડસ્ટ્રીનો દાખલો આપે છે કે મોરબીમાં કલોક બનાવતી કંપનીએ જો કલોક બનાવવા હોય તો તેણે આ બધી જ પ્રોસેસ, વર્ક, ડિઝાઈન, ટુલ્સ, જીગ્સ વગેરે ‘ઈન હાઉસ’ ફેસેલિટી ડેવલપ કરવી પડે છે અને એ પ્રોસેસમાં સામાન્ય રીતે 10થી 12 ટકા વેસ્ટ નીકળતી હોય તો તેની કલોકની કિંમતમાં એ ઉમેરાવાથી કોસ્ટ વધી જાય. રોકાણ પણ વધારે કરવું પડે ઉપરાંત પ્રોસેસ, ઓપરેશન્સ વગેરે વધી જાય અને દરેક પ્રોસેસ’માં ‘માસ્ટરી’ ન હોવાના કારણે પડતર પણ ઉંચી આવે છે. જયારે ‘ચાઈના’ ફેકટરીવાળાને આવી કોસ્ટ લાગતી નથી.

- text

ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલ લખે છે કે ચાઈનામાં 3RD ડીઝાઈન, પ્રોડક્ટ ડિઝાઈન અને પ્રોટો સેમ્પલ વગેરે વર્ક માટે એવા ‘માસ્ટર’ લોકો છે, જે ફક્ત 24 કલાકમાં જ નવી ડેવલોપ કરવાની પ્રોડકટ મોડલ તેનો લૂક ફિનિશીગ કરીને આપી શકે છે. ભારતમાં આવા પ્રકારની કોઈ સુવિધા જ નથી. દરેક ફેકટરીવાળા આવું કરી શકતાં નથી અને જો કરાવે તો તેની પડતર ઘણી જ વધારે આવે છે. આ કારણે જ આપણે ત્યાં પ્રોડકટ ડેવલપ થયાં પછી ‘ફેઈલ’ જવાના ચાન્સ વધારે હોવાથી પણ કોસ્ટ ઉંચી આવે છે!

ઈન્ડિયામાં ઘણી વખત અમુક પ્રકારની પ્રોસેસ/વર્ક કરવા માટે તમારે લાખો કરોડોની કિંમતનું ‘મોંઘું મશીન’ વસાવવું પડે છે. ફેકટરીમાં આ પ્રોસેસ કે વર્ક મહીને માંડ એક સપ્તાહ માટે જ કરવાનું હોવા છતાં આવું મશીન ખરીદવું પડે છે અને તેના માટે સ્પેશિયલ એન્જીનીયર,સ્ટાફ, પાવર તથા અન્ય ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવું પડે તેની પણ કોસ્ટ લાગે છે. જયારે ચાઈનામાં કોઈ એક વ્યક્તિ કે એન્જીનીયર આવા 4થી 5 મશીન વસાવે છે અને તેના આખા વિસ્તારની બધી જ ઈન્ડસ્ટ્રીઝનું કામ કરી આપે છે અને 365 દિવસ અને 24 કલાક આ મશીન ચાલુ રાખે છે તેથી તેની ‘પ્રોસેસિંગ’ કોસ્ટ ખુબ જ ઓછી આવે છે, જેના કારણે ચાઈના સસ્તું છે. આમ, ચાઈનામાં પ્રોડકશન કોસ્ટ ઓછી આવવાનું વધુ એક સિક્રેટ જયસુખભાઈ પટેલ જણાવે છે.

ચાઈના અને ઇન્ડિયામાં ‘ઈન્ડસ્ટ્રીઝ’ માટેનો બેઝિક ફર્ક જણાવતા મોરબીના અગ્રણી ઉદ્યોગકાર જયસુખભાઈ પટેલ લખે છે કે ચાઈના ગર્વમેન્ટ તરફથી હંમેશા સ્મોલ, મિડિયમ અને લઘુ ઉદ્યોગોને જ ઈમ્પોર્ટન્સ આપવામાં આવે છે એટલે કે કેટલા લોકોને વધારે ‘કામ’ મળશે એ રીતે સરકારી પોલિસી અને ઈમ્પલીમિટેશન કરવામાં આવે છે,પણ ઈન્ડિયામાં હંમેશા મોટા પ્રોજેકટ અને કેટલા રૂપિયાનું રોકાણ આવ્યું, તેને મહત્વ આપવામાં આવે છે અને સરકારની પોલિસી / બેનીફીટ અને ઈમ્પલીમિટેશન પણ હંમેશા કેટલા ‘કરોડ’ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે એ મુજબનું હોય છે જેના કારણે ભારતમાં સ્મોલ, મિડિયમ, લઘુ ઉદ્યોગનો વિકાસ ઓછો થયો છે, જેના કારણે ચાઈનામાં પ્રોડકશન કોસ્ટ ઓછી આવે છે, જો આજથી 30થી 35 વર્ષ પાછળ જઈએ તો, ચાઈના એક ‘કૌમ્યુનિસ્ટ’ દેશ હતો અને આજે પણ છે જયારે ચાઈના 35 વર્ષ પહેલાં વિકાસના રસ્તે આગળ વધ્યો ત્યારે ચાઈના ગવમેન્ટ તરફથી જે પણ ‘સરકારી’ કંપની અને ફેકટરી હતી તે બધી જ સરકાર તરફથી જે કન્ડીશનથી આપવામાં આવેલી, તે જયસુખભાઈ પટેલે લેખમાં દર્શાવી છે.

આવા અનેક કારણોસર ચાઈનામાં ભારતની સરખામણીએ ‘કન્ઝ્યુમર ગૂડઝ’ માં કોસ્ટ ઓછી આવે છે અને દુનિયાભરમાં કન્ઝયુમર પ્રોડકટ ઉપર ચાઈના આજે રાજ કરે છે! આપણી કમનસીબી એ છે કે, જે લોકોએ ચાઈના જોયું નથી અને સમજયું નથી એ લોકો તેની ’હેસિયત’નો અંદાજો પણ લગાવી શકતાં નથી. તેઓ ચાઈનાને એક સામાન્ય દેશ માને છે પણ ફકત ત્રીસ વર્ષમાં આ દેશના લોકોએ શિસ્ત, હાર્ડવર્ક અને દેશદાઝથી દુનિયામાં, દરેક ક્ષેત્રમાં નંબર વન છે. ચાઈનાની સામે આપણે તો આજે પણ પચાસ વર્ષથી પણ વધારે પાછળ છીએ. આ એક કડવું સત્ય જણાવી, આ સત્ય આપણે સમજી કે પચાવી શકતા નથી, તેમ ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલ ચોખ્ખા શબ્દો કહી લેખ પૂર્ણ કરે છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text