ભર ભર પિચકારી, મારી સરરરરર.. : રંગોની છોળોથી ભીંજાઈને ઉરમાં ઉમંગો છલકાવવાનો ઉત્સવ એટલે ધુળેટી!

- text


શબ્દોના રંગે રંગતી અનેક કવિતાઓથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ 

હોળીનો તહેવાર ભક્તિભાવભેર મનાવ્યા બાદ બીજા દિવસે ઉલ્લાસભેર ઉજાવવાનો તહેવાર ધુળેટી આજે આવી ગયો છે. હોળી-ધુળેટીનું પર્વ એટલે રંગોત્સવ, વસંતોત્સવ. રંગોની છોળોથી ભીંજાઈને ઉરમાં ઉમંગો છલકાવવાનો ઉત્સવ એટલે ધુળેટી! બુરા ના માનો હોલી હૈ.. કહેવતની જેમ ધુળેટીના તહેવારમાં કડવાશ ભૂલી એકબીજાને અબીલ, ગુલાલ, કેસૂડાંની સાથે વિધવિધ રંગો લગાવી કે પિચકારી ભરી સરરરર કરતા મારવાનો આનંદ અનેરો છે. આપણે ગુજરાતમાં તો ધુળેટી રમી લીધા બાદ લેવાતા રાસ-ગરબા તહેવારની મજાને બમણી કરી દે છે.

દેશના અલગ-અલગ પ્રાંતોમાં હોળી-ધુળેટીના પર્વને મનાવવાની શૈલીમાં વૈવિધ્ય જોવા મળે છે. ગુજરાતમાં રંગોથી હોળી રમાય છે તો ઉત્તરપ્રદેશમાં રંગોની સાથે ફૂલોથી અને લઠમાર હોળી રમવામાં આવે છે. વ્રજભાષાના સાહિત્યમાં વસંત, ધમારના પદો અને રસિયાના ગીતોમાં પણ રાધા-કૃષ્ણ, ગોપ-ગોપીઓના વસંતપંચમીથી ધુળેટી સુધી 40 દિવસ હોળીખેલના સુંદર અને શૃંગારિક વર્ણનો મળી આવે છે. હિન્દી સિનેમામાં રંગ બરસે ભીગે ચુનરવા, હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ જેવા અનેક હિન્દી ગીતો જોવા મળે છે તો ગુજરાતી સાહિત્યમાં પણ વસંત, હોળી, ધુળેટીની કવિતાઓ અને લખાણોનો ખજાનો છે.

અમે રેશમી રૂમાલ છીએ ઘેરૈયા
અમે ધાંધલ ધમાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

સુરેશ દલાલની હોળીની ધમાલને યાદ કરે છે તો તેઓ જ અન્ય કવિતામાં કહે છે કે..

રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે…

પરંતુ બીજી તરફ ગોપીભાવે પ્રિયકાન્ત મણીયાર કનેયાના રંગે રંગાવાની વાત કરે છે કે..

અણજાણ અકેલી વહી રહી હું
મુકી મારગ ધોરી
કહીં થકી તે એક જડી ગઇ
હું જ રહેલી કોરી
પાલવ સાથે ભાત પડી ગઇ
ઘટને માથે ઘાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…

તો ગુજરાતી સંગીતમાં અમૂલ્ય પ્રદાન આપનાર અવિનાશ વ્યાસ રંગ ન લગાવવાની જીદ છોડી લખે છે કે..

- text

વારતા.. વારતા… હું યે ગઇ હારી
રસિયાએ તો યે મારી વાત ના વિચારી
એને આવો ના રંગીલો કદી ભાળ્યો રે..
હો…. મારગડો રોકીને રંગ ઢાળ્યો..

ત્યારે પ્રખર કવિ રાજેન્દ્ર શુક્લની કલમ રંગોના પર્વને આવકારે છે કે..

અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી!
ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી!

આ સાથે રાજેન્દ્ર શાહ રાધા-કૃષ્ણના હોળીખેલના ભાવ સાથે લખે છે કે..

હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.
મોરી ભીંજે ચોરી ચુંદરિયા તું ઐસો રંગ ન ડાલ, નાગર સાંવરિયો.

કવિ વેણીભાઈ પુરોહિત તો કઈંક હળવા મિજાજમાં હોળીનો ફાળો માંગતા કહે છે કે..

આજે સપરમો દા’ડો, નવાઈલાલ!
લાવો ફાગણનો ફાળો, નવાઈલાલ!
ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ!
હોળીનો પૈસો આલો, નવાઈલાલ!

આમ, શબ્દોના રંગે રંગતી અનેક કવિતાઓથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ, છલોછલ છે.

~ માર્ગી મહેતા


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text