માળીયામાં બસ સ્ટેશન આપવા, જર્જરિત કચેરીઓ નવી બનાવવા સહિતની કોંગ્રેસની માંગ

- text


માળીયાના વિવિધ પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા કોંગ્રેસની મુખ્યમંત્રીને રજૂઆત

માળીયા (મી.) : માળીયા (મી.) શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માળીયા (મી.) શહેરની જનતાના પ્રાણ પ્રશ્નોનો યુદ્ધના ધોરણે નિકાલ લાવવા અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં માળીયામાં બસ સ્ટેશન આપવા, જર્જરિત કચેરીઓ નવી બનાવવા, સ્ટેટ હાઇવે રિપેર કરવા સહિતની વિવિધ માંગણીઓ કરવામાં આવી છે.

આ રજૂઆતમાં માળીયા (મી.) શહેરની જનતાના પાયાની સુવિધાઓને લગતા અગત્યના પ્રશ્નોનો આગામી બજેટમાં સમાવેશ કરી તાકીદે નિરાકરણ લાવવામાં આવે તેવી અપીલ કરાઇ છે. રજૂઆતમાં દર્શાવેલા પ્રશ્નો જોઈએ તો વર્ષ 2018માં સંચાલકોની ગંભીર બેદરકારીના કારણે રદ થયેલ એસ.એસ.સી. બોર્ડનું કેન્દ્ર ફરીથી કાર્યરત કરવા તથા માળીયા (મી.) શહેર અને આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસની સુવિધા અર્થે કોલેજનું નિર્માણ કરવા માંગ કરવામાં આવી છે.

વધુમાં, ધરતીકંપ પહેલાં માળીયા શહેરના બસ સ્ટેશનમાં આશરે 150થી પણ વધારે એસ.ટી. બસો અવરજવર કરતી હોય ત્યારે શહેરની જનતાને આવાગમન માટે સગવડતા મળી રહેતી હતી પરંતુ વર્ષ 2001માં થયેલ વિનાશકારી ધરતીકંપમાં બસ સ્ટેન્ડ નાશ પામ્યું હોવાની લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તો માળિયામાં બસ સ્ટેશનનું નિર્માણ કરવા માટે અપીલ કરી છે.

- text

માળીયા શહેરના વોર્ડ નંબર 1, 2, 4 અને 6ના સીમ વિસ્તારમાં રહીશોને ઘર વપરાશના વીજ કનેકશનો તાકીદે મળી રહે તેવો પ્રબંધ કરવા તથા માળીયા શહેરની રેફરલ હોસ્પિટલમાં સુપ્રિડન્ટ ડોકટરની જગ્યા વર્ષોથી ખાલી છે તે ભરવા અને ટેકનિકલ સ્ટાફની ભરતી કરવા તેમજ રેફરલ હોસ્પિટલના પ્રાંગણમાં બનાવેલ ડોકટર અને સ્ટાફ ક્વાટરસ તદન જર્જરિત થઇ જવાથી વર્ષ 2018માં જોખમી અને ભયજનક ક્વાટરસ તોડીને નવા ક્વાટરસ બનાવવા હુકમ થવા છતાં આજદિન સુધી અમલવારી થઈ નથી. તો તાકીદે હુકમનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત, માળીયા (મી.) શહેરની મામલતદાર કચેરી તદન ખંઢેર હાલતમાં હોવાથી હાલમાં મામલતદાર કચેરી સ્ટાફ ક્વાટરસમાં કાર્યરત થયેલ છે. તો તાકીદે કચેરીનું નિર્માણ કાર્ય કરવા તેમજ તાલુકા વિકાસ અધિકારીની કચેરી પણ તદન ખંઢેર બની ચૂકી છે, જેથી નવી કચેરીનું નિર્માણ કરવાના થયેલ હુકમની અમલવારી કરવા તથા પશુ દવાખાનું પણ જોખમી હાલતમાં હોવાથી ખાનગી જગ્યામાં કાર્યરત છે, તો આ કચેરીઓ નવી બનાવવા માંગ કરાઇ છે.

જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વ્યક્તિગત આયુષમાન કાર્ડ, હેલ્થ કાર્ડ યોજનાઓની આરોગ્ય વિભાગ દ્વારા બિલકુલ અમલવારી થતી નથી. જે અંગે તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવે તેમજ માળીયા શહેરના મધ્યમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે રોડ બિસ્માર હાલતમાં છે તો રોડને તાકીદે ડામર અથવા સિમેંટથી મઢવાની માંગ સાથે માળીયા મી. રેલવે જંક્શન ઉપર પસાર થતી મુંબઈ-કચ્છની તમામ ટ્રેનને માળિયામાં સ્ટોપ મળી રહે તેવી અપીલ કરવામાં આવી છે.

- text