પડકારરૂપ હત્યા કેસ ઉકેલતી મોરબી પોલીસ ! નાણાકીય લેતી દેતીમાં મિત્રનું ઠંડા કલેજે કાસળ કાઢનાર ત્રિપુટી ઝબ્બે

- text


 

મોરબી પોલીસે વેશ પલટો કરી અમદાવાદમાં વોચ ગોઠવી મુખ્ય કાવતરાખોરને ઝડપી લઈ અન્ય બે શખ્સોને પણ દબોચ્યા

 

મોરબી : પાંચ વર્ષ પૂર્વે મોરબીના જોધપર નદી ગામની સીમમાં અજાણ્યા પુરુષની બોથડ પદાર્થના ઘા ઝીંકી સળગાવી દેવાયેલો મૃતદેહ મળ્યા બાદ મૃતકની ઓળખ મેળવવા અને ભેદભરમ વાળા બનાવમાં હત્યારાઓ સુધી પહોંચવા મોરબી પોલીસે કાબિલે દાદ કામગીરી કરી એલસીબી તથા એસઓજી ટીમે ઇન્ચાર્જ નાયબ પોલીસ વડા હર્ષ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ગુન્હાનો ભેદ ઉકેલી નાંખી હત્યામાં સંડોવાયેલ ત્રણ શખ્સોને દબોચી લઈ પડકારજનક કેસને ઉકેલી નાખ્યો છે.

ભેદભરમના આટાપાટા સર્જતી આ હત્યાના બનાવની વિગત જોઈએ તો વર્ષ 2017ના નવરાત્રીના સમયમાં મોરબી તાલુકાના જોધપર ગામની સીમમાં અજાણ્યા પુરુષની સળગાવી દીધેલ લાશ મળી આવતા પોલીસે મૃતકની ઓળખ મેળવવા પ્રયાસો કરી હત્યાના અંકોડા મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ જે તે સમયે કોઈ નક્કર હકીકત સામે આવી ન હતી. બાદમાં વણ શોધાયેલ ગુન્હા શોધી કાઢવા જિલ્લા પોલીસવડા દ્વારા અપાયેલ સુચના અન્વયે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજી ટીમ પ્રયત્નશીલ હતી ત્યારે એસઓજી પીઆઇ જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ એસઓજી પીએસઆઇ પી.જી.પનારા અને પોલીસ કોન્સ્ટેબલ સતિષભાઈ સુખભાઈ ગરચરને આ કેસ સંદર્ભે સચોટ બાતમી મળી હતી જેને આધારે મૃતકની ઓળખ મેળવવા માટે પ્રથમ પગથિયું મળ્યું હતું.

તપાસનીશ પીએસઆઇ પી.જી.પનારાએ રહસ્યોને આટાપાટા સર્જતાં આ બનાવમાં મળેલી બાતમીને આધારે વર્ષ 2017માં ધ્રાંગધ્રા તાલુકામાંથી ગુમ થયેલ વ્યક્તિ અંગે માહિતી એકત્રિત કરી વર્ણનના આધારે મૃતક ધ્રાંગધ્રા તાલુકાના સોનીતલાવડી ગામના શામજીભાઈ ખીમાભાઈ દલવાડી હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું હતું પરંતુ મૃતક શામજીભાઈ જ હોવાનું સાબિત કરવા શામજીભાઈના ભાઈ અને તેમના માતાના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવતા મૃતદેહ શામજીભાઈનો જ હોવાનું સાબિત થયું હતું.

- text

બીજી તરફ વર્ષ 2017માં નવરાત્રીમાં મૃતક શામજીભાઈ લાપતા બન્યા બાદ છેલ્લે હત્યારા જયેશ સાથે ગયા હોવાની માહિતી મળી હતી અને શામજીભાઈની સાથો સાથ તેમના જ સોનીતલાવડી ગામમાં રહેતો જયેશ પણ ગાયબ થઈ જતા પોલીસની શંકા વધુ સુદ્રઢ બનતા ટેક્નિકલ સપોર્ટ મારફતે મુખ્ય હત્યારા એવા જયેશ ચમનભાઈ રંગાડીયા સુધી પહોંચવા વેશ પલટો કરી અમદાવાદ વટવામાં વોચ ગોઠવી મહા મહેનતના અંતે જયેશ રંગાડીયા ગિરફતમાં આવી ગયો હતો.

ચોંકાવનારી બાબત તો એ હતી કે હત્યારો જયેશ રંગાડીયા વારંવાર પોતાનું લોકેશન બદલી મુંબઈ, ગોવા જેવા શહેરોમાં ફરતો હોય શાતીર અપરાધીને ગિરફતમાં લેવા પોલીસ ટીમે ખાસી જહેમત ઉઠાવી જયેશ રંગાડીયાને ઉપાડી લઈ પૂછપરછ કરતા જયેશ ભાંગી પડ્યો હતો અને તેના બે મિત્રોની મદદ લઇ હત્યાને અંજામ આપી પેટ્રોલ છાંટી મૃતદેહને સળગાવ્યાની કબૂલાત આપી હતી.

નાણાંની લેતી દેતીમાં શામજીભાઈની નિર્દયી રીતે હત્યા કરવા માટે શાતીર દિમાગ ધરાવતા જ્યેશે તેના મોરબીમાં આનંદનગરમાં રહેતા મિત્ર મુકેશ મનસુખભાઈ ડાભી અને ગોકુળનગરમાં રહેતા પ્રવિણ નારણભાઇ કણઝારીયાને તૈયાર કર્યા હતા અને નવરાત્રીના સમયમાં શામજીભાઈને મોરબી બોલાવી જોધપર લઈ જઈ દારૂ પીવડાવી બાદમાં ઉપરોકત બન્ને આરોપીને બોલાવી જંપરના પાઇપ ફટકારી હત્યા કરી પેટ્રોલ છાંટી મૃતદેહ સળગાવી નાસી છૂટ્યા હતા.

આ પડકારજનક કેસ ઉકેલી પોલીસે જયેશ ચમનભાઈ રંગાડીયાની સાથે સાથે હત્યામાં સંડોવાયેલા મોરબીના આનંદનગરમાં રહેતા મુકેશ મનસુખભાઈ ડાભી અને ગોકુળનગરમાં રહેતા પ્રવિણ નારણભાઇ કણઝારીયાને પણ ગિરફતમાં લઈ પાંચ વર્ષ જુના હત્યા કેસનો ભેદ ઉકેલી કાયદાના હાથ કેટલા લાંબા છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- text