કોલસાના ભાવમાં બમણા જેટલો ભાવ વધારો : મોરબીનો પેપરમિલ ઉદ્યોગ મુસીબતમાં

- text


માતાના મઢ અને ઉમરસર કોલસાની ખાણ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત માટે અનામત રાખવા માંગ

મોરબી : સિરામીક ઉદ્યોગની જેમ જ પેપરમિલ ઉદ્યોગનું હબ બની ગયેલા મોરબીમાં હાલમાં રાજ્યના 60 ટકા પેપરનું મોરબીમાં ઉત્પાદન થાય છે ત્યારે છેલ્લા છ માસથી આ ઉદ્યોગના મુખ્ય બળતણ એવા કોલસાના ભાવમાં બમણા જેટલો તોતિંગ ભાવ વધારો થતાં હાલમાં પેપરમિલોને અસ્તિત્વ ટાકાવવું જોખમી બનતા રાજયમંત્રી મારફતે રાજ્ય સરકારને રજુઆત કરી કચ્છમાંથી નીકળતો કોલસા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે અનામત રાખવા માંગ કરી છે.

મોરબીમાં વિકાસની હરણફાળ ભરી પેપરમિલ ઉધોગે દેશ જ નહીં બલ્કે વિદેશમાં પણ કાઠું કાઢ્યું છે. હાલમાં 6000 કરોડનું ટર્ન ઓવર ધરાવતો મોરબીનો પેપરમિલ ઉદ્યોગ રાજ્યમાં ઉત્પન્ન થતા કાગળમાં 60 ટકા હિસ્સો ધરાવે છે. પરંતુ ગત જુલાઈ 2021થી મોરબીના પેપરમિલ ઉદ્યોગને નિયત કોટા મુજબ કોલસો આપવામાં ન આવતા હાલમાં ઉદ્યોગની માઠી દશા બેઠી છે.

રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાને લેખિત રજુઆત કરી મોરબી પેપરમિલ એસોસિએશનને જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય હરીફાઇઓ સામે ટકી ને નિકાસ દ્વારા દેશના વિકાસ માટે ખુબજ ઉપયોગી વિદેશી હૂંડિયામણ કમાઈ આપવા માટેની મહત્વની ભૂમિકા આ ઉદ્યોગ ભજવે છે. ઉદ્યોગ થકી અનેક માણસોને સીધી રોજગારી તથા અનેક ફેરિયાઓને વેસ્ટ કલેકશન દ્વારા આડકતરી રીતે રોજી રોટી મળે છે. તદુપરાંત વેસ્ટ પેપરના રિસાયકલિંગ દ્વારા ઉત્પાદનની પ્રક્રિયા દ્વારા અનેક વૃક્ષો કપાતા બચે છે તથા હાનિકારક પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઘટે છે. અને મોરબીની પેપરમિલો દ્વારા ડેરી ઉત્પાદનો, ખાધ પદાર્થો, દવાઓ તેમજ અન્ય બીજી જરૂરી વસ્તુઓના પેકિંગ માટેના બોકસ બનાવવામાં અહીં ઉત્પાદિત કાગળનો ઉપયોગ થાય છે.

- text

વધુમાં પેપરમિલ ઉદ્યોગોનું મુખ્ય બળતણ કચ્છ માતાના મઢ અને ઉમરસરની ખાણમાંથી નીકળતો કોલસો છે.પરંતુ તારીખ 15 જુલાઈ 20121થી કોઇ કારણસર પેપરમિલને અપાતા લિગ્નાઇટ ક્વોટા ઘટાડી નાખી જરૂરિયાત કરતા 80થી 90 ટકા કાપ મૂકી દેવામાં આવ્યો છે.જેના કારણે ઉદ્યોગ ચલાવા માં ખુબ જ તક્લીફ થાય છે. હાલ લિગ્નાઇટની અવેજીનું બીજું બળતણ બજારમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવા ઉપરાંત અન્ય બળતણ ખુબજ ઉંચી કિંમત આપવી પડતી હોવાનું રજુઆતમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે મોરબી પેપરમિલ એસોસિએશન દ્વારા જીએમડીસીના એમડી સમક્ષ ગત ઓગષ્ટ 2021માં રૂબરૂ રજુઆત કરતા ક્વોટા વધારી આપવા હૈયા ધારણા આપી પાછલા 2-3 વર્ષના સરેરાશ વપરાશ મુજબ ક્વોટા કરી આપવામાં આવશે જેને પણ ઘણો સમય જતો રહ્યો છતાં અમારા ક્વોટા વધવાની જગ્યા પર કાપવામાં આવી રહ્યા છે.

ચોંકાવનારી બાબત તો એ છે કે છેલ્લા પાંચ મહિનામાં કોલસાના ભાવમાં બમણા જેટલો ભાવ વધારો થઈ ચૂક્યો છે. વર્ષ 2021ના સપ્ટેમ્બર માસમાં 2505 પ્રતિ ટનના ભાવે મળતો માતાના મઢનો કોલસો આજે 4303ના ભાવે મળી રહ્યો છે. જ્યારે ઉમરસર ખાણમાંથી નીકળતો કોલસો સપ્ટેમ્બર 2021માં રૂ.2425 ટનના ભાવે મળતો હતો તે ચાલુ માસે 3886 ના ભાવે મળી રહ્યો છે.

આ સંજોગોમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોની જેમ જ કચ્છની ઉપરોક્ત બન્ને ખાણમાંથી નીકળતો કોલસો મોરબીના ઉદ્યોગો માટે તેમજ ઉત્તર ગુજરાતના ઉદ્યોગ માટે અનામત રાખવા માંગ ઉઠાવી અસહ્ય ભાવ વધારામાંથી પેપરમિલ ઉદ્યોગને બચાવવા માંગ કરવામાં આવી છે.

- text