મોરબીમાં ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ અને બમણી રકમ ચૂકવવા આદેશ

- text


સિરામીક વેપારીને ઉછીની રકમ પરત ન આપવી ભારે પડી

મોરબી : મોરબીમાં મિત્રતાના દાવે ધંધા માટે હાથ ઉછીની રકમ મેળવી બદલામાં આપેલ ચેક રિટર્ન થતા નામદાર અદાલતે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને પાંચ લાખની બમણી રકમ ચૂકવવા હુકમ કર્યો છે.

આ કેસની ટુંકી હકીકત જોઈએ તો આંદરણા ગામના રાજેશભાઇ ટપુભાઈ મારવાણિયા મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે શિવ શકિત પાન બીડીની હોલસેલ દુકાન ધરાવતા હીતેન્દ્રભાઈ લાલજીભાઈ ડઢાણીયા પાસે નીયમીત રીતે આવતા હોય જેથી ફરીયાદી અને આરોપી વચ્ચે મીત્રતાના સંબંધો બંધાયા હતા. વધુમાં આરોપીને અધમ સીરામીકના નામે સીરામીકનું કારખાનું છે અને તેમાં ભાગ છે તેવું જણાવી ધંધાના કામે પૈસાની જરૂરત પડતાં મીત્રતાના સબંધ દાવેના તા.૧૩/૦૩/૨૦૧૭ ના રોજ રૂા.૫,૦૦,૦૦૦ એક વર્ષમાં પરત આપી દેવાની શરતે હાથ ઉછીના લીધેલા હતા.

વધુમાં આરોપીએ ફરીયાદીને વચન,વિશ્વાસ તથા ખાત્રી આપેલ કે, આ રકમ એક વર્ષની અંદર પરત આપી દઈશ પરંતુ આરોપીએ ફરીયાદીને રકમ પરત આપેલ ન હોય,તા.૧૧/૧૧/૨૦૧૯ ના રોજ આરોપીએ ફરીયાદીને લેણા પેટે શ્રી રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ બેંક લી.-મોરબી શાખાનો ચેક નંબર ૧૦૮૫૪૩ તા.૧૧/૧૧/૨૦૧૯ ના રોજનો ચેક આપેલ. સદરહુ ચેક આપતી વખતે આ કામના આરોપીએ ફરીયાદીને ખાત્રી આપેલ કે ચેક બેન્કમાં રજુ કરવાથી તે સ્વીકારાઈ જશે અને ચેકની રકમ ફરીયાદીને મળી જશે. પરંતુ ફરીયાદીએ આરોપી દ્વારા જે ચેક આપવામાં આવેલ તે ચેક ફરીયાદીએ પોતાની બેંક એચ.ડી.એફ.સી.બેંક- મહેન્દ્રનગર,મોરબી શાખામાં તા.૧૧/૧૧/૨૦૧૯ ના રોજ જમા કરાવતાં, ચેક ‘ફંડ ઇન્સફીયીસન્ટ’ના શેરા સાથે પરત ફરેલ હતો.

- text

જેથી ફરીયાદીએ આરોપીને પોતાના વકીલ મારફત તા.૧૬/૧૧/૨૦૧૯ ના રોજ કાયદાકીય જોગવાઈ મુજબ રજી. એ.ડી.મારફત લીગલ નોટીસ આપેલ અને સદરહુ નોટીસ આરોપીને તા.૧૮/૧૧/૨૦૧૯ ના અરસામાં બજી ગયેલ છે તેમ છતા આરોપીએ આજ દીન સુધી ફરીયાદીને લેણી રકમ ચુકવેલ નથી. આમ, આરોપીએ ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરેલ છે. અને આરોપીએ ગેરકાયદેસરનું કૃત્ય કરેલ હોય ફરીયાદીને ફરીયાદ કરવાનું કારણ ઉભુ થયેલ હોય એ અંગેનો કેસ ચાલી જતા મોરબી નામદાર અદાલતે આરોપી હીતેન્દ્રભાઈ લાલજીભાઈ ડઢાણીયા રહે.વાસ્તુ એપાર્ટમેન્ટ,એવન્યુ પાર્ક,મોરબી,નાઓને ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૮૮૧ કલમ:૧૩૮ ના ગુન્હા સબબ તકસીરવાન ઠેરવી ક્રિમીનલ પ્રોસીજર કોડ,૧૯૭૩ કલમ ૨૫૫(૨) તથા ૩૫૩ અન્વયે ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ ફોજદારી કાર્યવાહી અધિનીયમ,૧૯૭૩ ની કલમ:૩૫૭ (૧)મુજબ વિવાદીત ચેકની બાકી નીકળતી રકમ રૂા. ૫,૦૦,૦૦૦ની ડબલ રકમ રૂા. ૧૦,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા દસ લાખ પુરા)નો આરોપીને દંડ ફટકારવા આવ્યો છે. ઉપરાંત દંડમાંથી ફરીયાદીને ફરીયાદવાળા ચેકની રકમ ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯% વ્યાજ સહીત ચુકવી આપવા તથા દંડ ભરવામાં કસુર થયેથી આરોપીએ વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આરોપી કોર્ટ સમક્ષ હાજર રહેલા ન હોય, નામદાર અદાલત દ્વારા આરોપી વિરૂધ્ધ નોન બેઈલેબલ વોરંટ ઈસ્યુ કરવા તેમજ સજા વોરંટ ઈસ્યુ કરવા તેમજ આરોપીના જામીનદાર વિરુધ્ધ રીકવરી વોરંટ ઈસ્યુ કરવુ.જામીનદારના રેવન્યુ ખાતામાં સદર રકમની બોજાની નોંધ કરવા પણ હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસમાં ફરિયાદ પક્ષે વકિલ તરીકે એડવોકેટ જી.ડી.વરિયા, બી.કે.ભટ્ટ, તથા જે.આર.જાડેજા રોકાયેલ હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text