ચાડધ્રાની બ્રાહ્મણી નદીને રેતમાફિયાઓથી મુક્ત કરો : નવોદિત મહિલા સરપંચનો નગારે ઘા

- text


જ્યા સુધી ચાડધ્રાના લોકમાતા બ્રાહ્મણીનદીમાંથી રેતીચોરી બંધ નહિ થાય ત્યાં સુધી સરપંચનો ચાર્જ નહિ સાંભળવાની જાહેરાત
રાજ્યના મુખ્યમંત્રી, જિલ્લા કલેકટર મોરબી, ખાણખનીજ વિભાગ સહિતનાઓને અલ્ટીમેટમ

મોરબી : મોરબી જિલ્લાના રેતમાફિયાઓ માટે હળવદ તાલુકાના નાના એવા ચાડધ્રા ગામના મહિલા સરપંચ આફત બનીને ઉતરી આવ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે ઘુડખર અભ્યારણ્યને કારણે પ્રતિબંધિત એવા ચાડધ્રાની બ્રાહ્મણી નદીમાં વર્ષોથી બેરોકટોક પણે ચાલતી રેતીચોરી તાકીદે બંધ કરાવવા મુખ્યમંત્રીથી લઈ જિલ્લા કલેકટર, માઇન્સ કમિશનર અને રાજકોટ રેન્જ આઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી જ્યાં સુધી રેતીચોરી બંધ નહિ થાય ત્યાં સુધી સરપંચ તરીકેનો ચાર્જ નહિ સાંભળવા જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચાડધ્રા ગામના નવોદિત સરપંચ સજ્જનબા જે. ગઢવીએ પોતાના નામ મુજબના જ ગુણ હોવાનું સ્પષ્ટ કરી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના માઇન્સ કમિશનર, રેન્જ આઈજી રાજકોટ, જિલ્લા કલેકટર મોરબી, પ્રાંત અધિકારી મોરબી અને મામલતદાર હળવદ સહિતના અધિકારીઓને સ્ફોટક રજુઆત કરી જાહેર કર્યું છે કે ચાડધ્રા ગામના ગંગાજી અને લોકમાતા બ્રાહ્મણી નદીમાં વર્ષોથી બેફામ રેતીચોરી થાય છે. અહીં રેત માફિયાઓ દ્વારા સરકારી ખરાબાની જમીનમાં તોસ્તાન રેતીના સટ્ટા પણ ખડકી દીધા છે જે તમામ સટ્ટા સરકારી રાહે કબ્જે કરી રેતમાફિયાઓને ઝેર કરવા માંગ ઉઠાવી છે. અને જ્યાં સુધી રેતીચોરી બંધ નહીં થાય અને રેતમાફિયાઓને ઝેર નહિ કરવામાં આવે ત્યાં સુધી સરપંચ તરીકેનો ચાર્જ પણ નહીં સાંભળે તેવું જાહેર કર્યું છે.

વધુમાં સજ્જનબા જે.ગઢવીએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, એક તરફ વડાપ્રધાન મોદીજીના માર્ગદર્શન હેઠળ દેશમાં પાંચ દિવસીય નદી ઉત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે બીજી તરફ હળવદના ચાડધ્રા ગામના ગંગાજી ગણાતા બ્રાહ્મણી નદીમાંથી બેફામ રેતી ચોરી થઈ રહી છે અને તંત્રવાહકો આવા રેત માફિયાઓને છાવરી પાપના ભાગીદાર બની રહ્યા છે.

- text

રજૂઆતના અંતે સજ્જનબાએ જણાવ્યું છે કે આ અમારી આખરી ફરિયાદ છે. ચાડધ્રામાં રેતમાફિયાઓના વર્ષો જુના એકચક્રી શાસનને તોડી અમારી પેનલ વિજેતા બની છે ત્યારે હવે જો અમે અને અમારી પેનલ લોકમાતા બ્રાહ્મણી નદીનું જતન ન કરીએ તો અમે સરપંચને લાયક જ ન ગણાય જેથી જ્યાં સુધી રેતીચોરી બંધ નહિ થાય ત્યાં સુધી સરપંચ તરીકે ચાર્જ લઈશું નહિ અને જરૂર પડયે અમો તથા અમારી પેનલ રાજીનામુ આપતા પણ ખચકાશે નહિ તેવું સ્પષ્ટ પણે જણાવ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text