હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓની હડતાલ સમેટાઈ : સોમવારથી યાર્ડ ધમધમશે

- text


ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારી સાથે વેપારીઓની બેઠકમાં ખંડણીખોર વિરુદ્ધ આકરા પગલાંની ખાતરી અપાઈ

હળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીને ધ્રાંગધ્રાના કોંઢ ગામના શખ્સ દ્વારા અગાઉ ખંડણી માટે ધમકી અપાયા બાદ ફરી એક વખત રસ્તા ઉપર આંતરી જાનથી પતાવી દેવાની ધમકી અપાતા માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ ખાંડણીખોરના ત્રાસમાંથી જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી અચોક્કસ મુદત માટે હળવદ યાર્ડ બંધ રાખવા જાહેર કરતા આજે ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીએ વેપારીઓ સાથે બેઠક યોજી કડક પગલાંની ખાતરી આપતા અંતે આજે હડતાલ સમેટાઈ છે અને સોમવારથી યાર્ડ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.15ના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીને અગાઉ 90 લાખની ખંડણી વસૂલવા ધમકી આપનાર કોંઢ ગામના જશપાલસિંહ ઝાલા દ્વારા ફરીથી ધમકી આપી જાનથી પતાવી દેવાનું જણાવતા વેપારીઓમાં આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા જ્યાં સુધી ખંડણીખોર ઝડપાઇ નહીં અને આરોપી વિરુદ્ધ પાસા સહિતના કડક પગલાં ન ભરવામાં આવે ત્યાં સુધી અચોક્કસ મુદત માટે યાર્ડમાં વેપાર ધંધા બંધ કરી દીધા હતા.

બીજી તરફ આ મામલે આજે મોરબી ડીવાયએસપી રાધિકાબેન ભારાઈ, માર્કેટીંગયાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ, એલસીબી પીએસઆઇ એન. બી ડાભી હળવદ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એ.એ જાડેજા સહિતના અધિકારી પદાધિકારીઓ દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે વેપારીઓ સાથે બેઠક યોજી આરોપી વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવામાં આવશે તેવી ખાતરી આપતા વેપારીઓ દ્વારા સોમવારથી માર્કેટીંગ યાર્ડ ખુલ્લુ રાખવાનો નિર્ણય કર્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text