ઘુડખર અભ્યારણમાં ઘૂસણખોરી : વનવિભાગ દ્વારા તપાસ શરૂ

- text


વિશ્વના એક માત્ર અભ્યારણ પ્રત્યે રાજ્ય સરકાર ઉદાસીન : 1972માં ઘુડખર અભ્યારણ જાહેર થયા બાદ ન તો કોંગ્રેસ કે ન તો ભાજપે અભ્યારણની સેટલમેન્ટની કામગીરી હાથ ધરી

મોરબી : વિશ્વના એક માત્ર ઘુડખર અભ્યારણમાં સરકારની ઉદાસીનતાને કારણે ઘુસણખોરોને મોકળું મેદાન મળી રહ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે માળીયા તાલુકાના મંદરકી વિસ્તારમાં ઘુડખરના રહેઠાણ વિસ્તારમાં ઉંચા માટીના પાળા કરી દેવામાં આવ્યા હોવાની ફરિયાદ વનવિભાગને મળતા વનવિભાગ પણ દોડતો થયો છે. જો કે ચોંકાવનારી અને ગંભીર બાબત એ છે કે હળવદથી લઈ કચ્છ સુધી પથરાયેલ ઘુડખર અભ્યારણને 1972માં સત્તાવાર અભ્યારણનો દરરજો મળ્યા બાદ પણ ન તો કોંગ્રેસ સરકારે અને ન તો ભાજપ સરકારે સ્ટેલમેન્ટની કાર્યવાહી પૂર્ણ કરતા આ અભ્યારણ હાલ માત્ર કાગળ ઉપર નામનું અભ્યારણ બની રહ્યું છે.

સમગ્ર વિશ્વમાં ઇન્ડિયન વાઈલ્ડ એસ તરીકે ઓળખાતા ઘુડખર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનમાં જોવા મળતા હતા પરંતુ કાળક્રમે ઘુડખર લુપ્ત થી જતા સમગ્ર વિશ્વમાં હવે એક માત્ર કચ્છના નાના રણમાં જ જોવા મળતા વન વિભાગ દ્વારા 1972માં વન્યજીવન સુરક્ષા ધારા હેઠળ કચ્છના નાના રણના 4954 ચોરસ કિલોમીટર વિસ્તારને ઘુડખર અભ્યારણ જાહેર કરવામાં આવ્યું છે. અહીં માત્ર ઘુડખર જ નહીં પરંતુ 93 જાતના જીવજંતુ, 14 જાતની ગરોળી, બે પ્રજાતિના કાચબા, 12 પ્રજાતિના સાપ ઉપરાંત 70થી 75 હજાર પક્ષીઓના માળાઓની સાથે સાથે અહીં 74 જેટલા નાના ટાપુઓ પણ આવેલા છે. અહીં ઘાસ-વનસ્પતિથી ભરપૂર વૈવિધતા વાળો વિસ્તાર હોવાથી એક અંદાજ મુજબ કુલ 2100 પ્રકારના પ્રાણીઓનું આ અભ્યારણ નિવાસસ્થાન બન્યું છે.

પરંતુ ઘુડખરની કમનસીબી એ છે કે 1972માં સત્તાવાર રીતે ઘુડખર અભ્યારણનો દરજ્જો પ્રાપ્ત થયા બાદ તત્કાલીન કોંગ્રેસ કે વર્તમાન ભાજપ સરકાર દ્વારા અભ્યારણમાં આદિકાળથી વસવાટ કરતા અને મીઠાનું ઉત્પાદન કરતા અગરિયાઓ અને અહીં ખેતીવાડી ધરાવતા ખેડૂતોની જમીનના હ્કકોનું સેટલમેન્ટ ન કરતા અહીં ઘૂસણખોરી કરતા તત્વોને મોકલું મેદાન મળી રહ્યું છે. જો કે મજાની વાત તો એ છે કે ઘુડખરને માફક આવતા આ વિસ્તારમાં 1960માં ઘુડખર લુપ્ત થવાની આરે આવી ગયા હતા અને માત્ર 362 જેટલા જ ઘુડખર બચ્યા હતા પરંતુ સલામત વાતાવરણ અને ખોરાક મળી રહેતા હાલમાં અહીં 6082 જેટલા ઘુડખરની વસ્તી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

દરમિયાન તાજેતરમાં જ માળીયા તાલુકાને જોડતા ઘુડખર અભ્યારણ વિસ્તારમાં મંદિરકી ગામ નજીકના વિસ્તારમાં ઘૂસણખોરો દ્વારા માટીના ઉંચા-ઉંચા ઢગલા ખડકી દેવામાં આવતા પર્યાવરણપ્રેમીઓ દ્વારા આ મામલે વનવિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. બીજી તરફ ઘુડખર પ્રાણીઓની સુરક્ષા માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરતા વન વિભાગે પણ તપાસ શરૂ કરી હોવાનું હળવદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મુલતાનીએ જણાવ્યું હતું. જો કે, તેમને જણાવ્યું હતું કે જ્યાં સુધી અભ્યારણને લગતા હક્કો અંગે સેટલમેન્ટ ફાયનલ ન થાય ત્યાં સુધી આ પ્રશ્ન સળગતો જ રહેવાનો છે.

નોંધનીય છે કે કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ઘુડખર અભ્યારણમાં હળવદ પંથકમાં ગેરકાયદે રેતીચોરી અને ખનીજ ઉત્ખનન પણ બેરોકટોક રીતે થઈ રહ્યું છે. આ સંજોગોમાં વિશ્વના એક માત્ર ઘુડખર અભ્યારણને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટર ગણવામાં આવે છે ત્યારે અહીં ઘુડખર ઉપરાંત છેલ્લા વર્ષોમાં લુપ્ત થવાને આરે ઊભેલા ઝરખ પણ જોવા મળી રહ્યા હોવાનું પર્યાવરણ પ્રેમીઓ જણાવી રહ્યા છે ત્યારે રાજ્યની ભાજપ સરકાર આ ગંભીર બાબતે પણ સજાગ બની ઘુડખર અભ્યારણને સંપૂર્ણ દરજજો મળે તે માટે સેટલમેન્ટની કાર્યવાહી પૂર્ણ કરે તો જ ઘુડખરનું ખરાઅર્થમાં જતન થઇ શકશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text