નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત દર શુક્રવારે યોજાનાર નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પનો મોરબીમાં આજથી પ્રારંભ

- text


કેમ્પમાં બિનચેપી રોગોનું નિષ્ણાત ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવશે

મોરબી : મોરબી જિલ્લામાં નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત દર શુક્રવારે યોજાનાર આજથી નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત મોરબીમાં આજે શુક્રવારથી રોજ નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા હેલ્થ કેમ્પમાં લોહીનું ઓછું દબાણ, ડાયાબિટીસ, મોઢા/સ્તન/ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીની બિમારી, પાંડુરોગ, કેલ્શિયમની ઉણપ જેવા બિનચેપી રોગોનું નિષ્ણાત ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવશે.

આ કેમ્પમાં વિનામુલ્યે દવા વિતરણ તેમજ આયુષ્માન કાર્ડ, હેલ્થ કાર્ડ કાઢવાની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, જનરલ ઓ.પી.ડી., કોરોના ટેસ્ટ, ઓલ બોડી ચેકઅપ, કાર્ડિઓલોજી, લેબોરેટરી તપાસ તેમજ અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. ઉલ્લેખનીય છે કે આ કેમ્પ દર શુક્રવારે યોજવામાં આવશે.

આજે મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાયેલ નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પમાં રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયાં, ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલા, જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ, ડી.ડી.ઓ. પરાગ ભગદેવ, જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતીરા સહિતના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય થકી કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ તકે રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે લોકો ચેપી રોગોની સારવાર તાત્કાલિક કરે છે, પરંતુ બિનચેપી રોગોનો ઈલાજ કરાવવો પણ જરૂરી છે. બિનચેપી રોગો નાથવા માટે માત્ર નિદાન નહીં સારવાર થાય તે માટે સરકાર ખર્ચો ઉપાડશે. તેમજ યુવાનોએ વ્યસન ત્યજી જિંદગીને બચવવા અપીલ કરી હતી.

પ્રથમ કેમ્પમાં જ નેટ કનેક્ટિવિટીના પ્રોબ્લેમને લીધે લોકો પરેશાન

આ પ્રથમ કેમ્પમાં બહોળા પ્રમાણમાં લોકો આયુષ્માન કાર્ડ કઢાવવા આવ્યા હતા. પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ નેટ કનેક્ટિવિટીના પ્રોબ્લેમના કારણે અને સર્વરના પ્રોબ્લેમને કારણે લોકોને ધરમના ધક્કા થયા હતા. જેથી,લોકોને તાલુકા પંચાયત કચેરીએ કાર્ડ કઢાવવા જવાનું જણાવાયું હતું. આમ, અણીના ટાંકણે સરકારી મશીનરી ઉપયોગમાં ન આવતા લોકો પરેશાન થયા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text