ટેકો નહિ રોકડા જોઈએ ! ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતો નિરસ

- text


મોરબી, માળીયા અને ટંકારા તાલુકામાં 200 ખેડૂતોને બોલાવ્યા, આવ્યા માત્ર 21 !!

મોરબી : સરકારની ટેકાના ભાવે મગફળી ખરીદવાની યોજનાને મોરબી જિલ્લામાં અત્યંત નબળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ખુલ્લા બજારમાં ઉંચા અને રોકડા નાણાં મળતા હોય ટેકાને બદલે ખેડૂતો રોકડા મેળવવા દોડ લગાવી રહ્યા છે. મોરબી જિલ્લામાં પ્રથમ દિવસે વરસાદના નામે ટેકાના ભાવની ખરીદી બંધ રહ્યા બાદ બુધવારે 200 ખેડૂતોને મગફળી વેચવા બોલવવા છતાં મોરબી, માળીયા અને ટંકારા તાલુકામાંથી માત્રને માત્ર 21 ખેડૂતો જ મગફળી લઇ ને આવતા તંત્રને દિવસભર માખીઓ ઉડાવવાનો વારો આવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા લાભ પંચમીથી મુહૂર્ત કરવામાં આવ્યું છે પરંતુ વરસાદની આગાહીને લઈ ગઈકાલે મોરબી જિલ્લામાં મગફળી ખરીદીનું મુહૂર્ત આવ્યું ન હતું. બીજી તરફ આજે મોરબી, માળીયા અને ટંકારાના કુલ 200 ખેડૂતોને પોતાની મગફળી વેચવા માટે તંત્ર દ્વારા એસએમએસ કરવામાં આવ્યા હોવા છતાં મોરબી-માળિયામાંથી 4 અને ટંકારા તાલુકામાંથી ફક્ત 17 ખેડૂતો મગફળી વેચાણ માટે આવ્યા હતા.

- text

ઉલ્લેખનીય છે કે, ટંકારા તાલુકામાં ટેકાના ભાવના ખરીદ કેન્દ્રને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં ખુલ્લા બજારમાં ખેડૂતોને ઉંચા ભાવ મળવાની સાથે-સાથે રોકડા રૂપિયા મળી રહ્યા હોય ખેડૂતો ટેકાના ભાવે ઉધાર જેવી સ્થિતિમાં પોતાની મગફળી વેચવા ઇચ્છુક ન હોવાની પણ છાપ ઉપસી રહી છે.

- text