આખું મોરબી ભાજપના નામે કરી આપો : આપ આકરે પાણીએ

- text


જન આશીર્વાદ યાત્રા બાદ આખા શહેરમાં સરકારી-ખાનગી મિલ્કતો ઉપરથી 24 કલાકમાં ઝંડા ઉતારવા આમઆદમી પાર્ટીનું કલકટરને અલ્ટીમેટમ

મોરબી : મોરબી શહેરમાં ભાજપના નવનિયુક્ત રાજ્યમંત્રીની જન આશિર્વાદ યાત્રા બાદ ખાનગી અને જાહેર મિલ્કતો ઉપર ઠેકઠેકાણે ભાજપના ઝંડા લાગેલા હોવા છતાં તંત્ર દ્વારા આવા ઝંડા-પતાકા દૂર કરવામાં ન આવતા આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 24 કલાકમાં આ ઝંડા ઉતારી લેવા અથવા મોરબીની તમામ મિલ્કતો ભાજપના નામે કરી આપવા માંગ ઉઠાવી હતી. સાથોસાથ જો 24 કલાકમાં આ ઝંડા નહીં ઉતરે તો આમ આદમી પાર્ટી દ્વારા પોતાના પક્ષના ઝંડા લગાવવામાં આવશે તેવી ચમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

આમ આદમી પાર્ટી દ્વારા આજે જિલ્લા કલકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું હતું કે, મોરબી શહેરની જાહેર સંપત્તિ ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના પાર્ટી ઝંડાઓ, પતાકડાઓ તેમજ બેનરો મનફાવે તે રીતે મારી દેવામાં આવ્યા છે. કોઈપણ મંત્રી પ્રજાના આશીર્વાદ લેવા આવતા હોય ત્યારે ભાજપ માટે દેખાવ કરવો ખૂબ જરૂરી હોય છે જે દેખાવને તે દિવસે પૂરતો સહી લીધો જ છે, આજે ઘણા દિવસ થયા બાદ પણ પ્રજાની જાહેર સંપત્તિ ઉપરથી વગર મંજુરીના ઝંડાઓ, પતકડાઓ તેમજ બેનરો હટાવવામાં આવ્યા નથી.

અચરજની વાત તો એ છે કે, મોરબી જિલ્લો હોવાથી નાનાથી લઈને આપના સુધીના મોટા અધિકારીઓ કે જેમની જવાબદારી પ્રજાહિત માટે પ્રજાની સંપત્તિની રક્ષા કરવાની હોય છે, તેનું ધ્યાન રાખવાનું હોય છે. જેઓ પ્રજાના સેવક હોય છે ત્યારે એ કાર્ય પણ કોઈએ કર્યું નથી.ત્યારે કાયદા મુજબ સહુને એક સરખા રાખી શકતા ના હોવ અને પ્રજાની સંપત્તિની જાળવણી કરી શકતા ના હોવ તો મોરબી શહેરની તમામ જાહેર સંપત્તિઓ ભારતીય જનતા પાર્ટીના નામે કરી આપો જેથી કરીને અમારે કોઈ પણ પ્રકારનો વિરોધ ના કરવો પડે તેમ જણાવી આમ આદમી પાર્ટીએ અણીયારા સવાલો ઉઠાવ્યા હતા.

વધુમાં જો તંત્ર 24 કલાકમાં તમામ પ્રજાની જાહેર સંપતિ પરથી ભાજપના તમામ સાહિત્યો દૂર નહીં કરે તો આમ આદમી પાર્ટી પોતાના સાહિત્યો ત્યાંજ લગાડશે તેમ જણાવી અંતમાં વધુ એક વખત આમ આદમી પાર્ટીએ મોરબીની તમામ સંપતિ ભાજપને નામ કરી દો જેથી કરી ને અધિકારીઓને પોતાની ફરજ નિભાવવામાં ગૂંગણામણ ના થાય તેઓ ટોણો માર્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text