પાર્ટી પ્લોટમાં ગરબા નહિ યોજી શકાય : શેરી ગરબાને છૂટ, પણ 400 લોકોની મર્યાદા

- text


લગ્નમાં સામેલ થઈ શકનારા લોકોની મર્યાદા વધારીને 400 કરાઈ, અંતિમક્રિયામાં 100 લોકો સામેલ થઈ શકશે

મોરબી : કોરોના હળવો થતા હવે સરકાર દ્વારા શેરી ગરબાને નિશ્ચિત નિયમો સાથે મંજુરી આપવામાં આવી છે. જો કે પાર્ટી પ્લોટમાં ગરબા યોજવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ સાથે સરકારે લગ્નમાં સામેલ થઈ શકનારા લોકોની મર્યાદા વધારીને 400 કરી છે. આવી જ રીતે અંતિમક્રિયામાં પણ 100ની મર્યાદા નક્કી કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આગામી નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની સાંસ્કૃતિક ધરોહર મુજબ ઉજવણી થાય તે હેતુથી અને આવા પ્રસંગો સાથે સંકળાયેલા નાના વ્યવસાયકારોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને જનહિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે યોજેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ લીધેલા આ નિર્ણયો અનુસાર રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કરફયુ અમલમાં છે ત્યાં તા.રપ/૯/ર૦ર૧ના રાત્રિના ૧ર કલાકથી તા.૧૦/૧૦/ર૦ર૧ સવારે ૬ વાગ્યા સુધી દરરોજ રાત્રિ કરફયુ અમલમાં રહેશે.

આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. શેરી ગરબામાં 400 લોકોથી વધારે લોકોને મંજુરી નથી. જેથી શેરીગરબામાં પણ વધારે ભીડ ન થાય તે માટેનું આયોજન જે તે સોસાયટીના ચેરમેન દ્વારા કરવાનું રહેશે. જો કે પાર્ટી પ્લોટ કે અન્ય કોઇ પણ બહારના સ્થળે ગરબાના આયોજનને મંજુરી આપવામાં આવી નથી.

- text

લગ્ન પ્રસંગોમાં અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેકસીનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. રાજ્યમાં પાર્ટી પ્લોટ, કલબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શીયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહિ.

અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની ૪૦ વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના ૧૦ કલાક સુધી અગાઉ ક્ષમતાના ૬૦% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના ૭પ% સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં તે પણ હવે રાત્રિના ૧૦ વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text