વરસાદ અપડેટ : બપોરે 12 થી સાંજના 6 સુધીમાં : ટંકારામાં બે, માળીયામાં સવા, હળવદ-વાંકાનેરમાં અડધો ઇંચ

- text


મોરબીમાં સરકારી ચોપડે છૂટો છવાયો વરસાદ નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં આજે પણ મેઘરાજાએ તોફાની બેટીંગ કરીને મેધાકૃપાથી ધરતીને તરબોળ કરી દીધી હતી. ખાસ કરીને આજે ટંકારા પંથકમાં બપોર પછી મેઘરાજાએ ધોધમાર વહાલ વરસાવતા જળબંબાકાર જેવી સ્થિતિ થઈ પડી હતી. જેમાં બપોરે 12 થી સાંજના 6 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે ટંકારામાં 2, માળીયામાં સવા, હળવદ-વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જો કે મોરબીમાં સરકારી ચોપડે છૂટો છવાયો વરસાદ નોંધાયો છે.

મોરબી જિલ્લામાં આજે સવારથી જ મેઘરાજા મહેરબાન થયા હતા અને બપોર પછી વરસાદનું જોર વધ્યું હતું. મેઘરાજાએ આક્રમક બેટીંગ કરતા ચારેકોર પાણી-પાણી થઈ ગયું હતું, ધોળા દિવસે આકાશ ઘનઘોર બની ગયા બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો અને ‘સ્થળ ત્યાં જળ’ જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. ખાસ કરીને આજે ટંકારા પંથકમાં બપોર પછી મુશળધાર વરસાદ પડ્યો હતો.

ટંકારા પંથકમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે ટંકારાના સખપર ગામે મેલડી માતાના મંદિરે તાવો કરવા આવેલા છ જેટલા લોકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. ચારેકોર પાણીને વચ્ચે ફસાતા આ લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. આ લોકોને બચાવવા માટે તંત્ર દ્વારા બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદને પગલે ટંકારા જામનગર હાઇવેના પુલ ઉપર પાણી ભયજનક સપાટીએ વહેવા લાગતા આ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ ડેમી ડેમમાં પણ નવા નીર આવ્યા હતા.

ટંકારાની સાથે મોરબી, માળીયા, હળવદ, વાંકાનેરમાં પણ બપોર પછી સારો એવો વરસાદ પડ્યો હતો. જેમાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદના આંકડા મુજબ આજે બપોરે 12 થી સાંજના 6 દરમિયાન ટંકારામાં 62 મીમી એટલે બે ઈંચ, વાંકાનેરમાં 11 મીમી એટલે અડધો ઇંચ, હળવદમાં 16 મીમી એટલે અડધો ઇંચ, માળીયામાં 31 મીમી એટલે સવા ઈંચ વરસાદ પડ્યો હતો. જો કે મોરબીમાં બપોર પછી બેથી ત્રણ વખત ધોધમાર વરસાદ પડ્યો હતો અને ઠેરઠેર પાણી ભરાયા હતા. પરંતુ મોરબીમાં સત્તાવાર રીતે માત્ર 7 મીમી વરસાદ નોંધાયો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text