જંગલ-નેસ વિસ્તારના સ્થળાંતરિત ઉમેદવારોને અન્યાય મામલે વડવાળા સંગઠન મેદાને

- text


રબારી, ભરવાડ અને ચારણ સમાજ પાસે સરકારી ભરતીમાં 70 વર્ષ પહેલાના પુરાવા માંગવામાં આવતા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : ગીર, બરડા અને આલેચના જંગલના નેસ વિસ્તારના અને સ્થળાંતરીત રબારી, ભરવાડ અને ચારણ સમાજને થતો અન્યાય અટકાવવા બાબતે વડવાળા યુવા સંગઠન દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક દેવેનભાઈ રબારી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરતા જણાવાયું છે કે રાષ્ટ્રપતિના 29 ઓકટોબર, 1956નાં જાહેરનામાં અંતર્ગત ગીર, બરડા અને આલેચના જંગલના નેસ વિસ્તારના રબારી, ભરવાડ અને ચારણ જાતિને અનુસુચિત જનજાતિના હકકો મળેલા છે. સને 1956માં બંધારણે આપેલ અનુસુચિત જનજાતિના હકકોનો વાસ્તવિક લાભ આ સમાજને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમના અથાગ પ્રયત્નો થકી મળેલ હતો. અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પણ આ સમાજને લાભ આપવા યોગ્ય પગલાઓ લીધેલ છે.

સને 1993માં સરકાર દ્વારા રચિત મલકાણ પંચ દ્વારા 17551 પરિવારોની ઓળખ કરી સને અને અનુસુચિત જનજાતિના દરજ્જને પાત્ર પરિવારોને આદિજાતિ વિભાગ દ્વારા વિગતદર્શક કાર્ડ આપવામાં આવ્યા અને આ વિગતદર્શક કાર્ડને ગુજરાત હાઇકોર્ટના ઘાણા ચુકાદાઓમાં માન્યતા પ્રાપ્ત થયેલી છે. પરંતુ છેલ્લાં અમુક સમયથી આ સમાજના L.R.D., G.P.S.C, G.S.R.T અને અન્ય પરીક્ષાઓમાં ઉતીર્ણ થયેલ લગભગ 150થી વધુ ઉમેદવારોની નિમણુંક જાતિ પ્રમાણપત્રની ચકાસણીના બહાને અટકાવી દીધેલ છે.

વધુમાં, તા. 28 ઓકટોબર, 1956ની સ્થિતિએ નેસમાં વસવાટ કરતા લોકોની યાદી બનાવવા માટે નિવૃત હાઇકોર્ટ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે. જે આ માલઘારી સમાજ માટે અન્યાયકર્તા છે. અને આ કમિટી દ્વારા 1956 પહેલાના પુરાવા માંગવામાં આવે છે. જે મોટાભાગના માલધારીઓ પાસે નથી. કેમ કે માલધારીઓના કાચા મકાન, વાવાઝોડા, અતિવૃષ્ટિ, ભુકંપ જેવી આપદાઓનો સામનો સતત સ્થળાંતર, શિક્ષણનો અભાવ આવા કારણોને લીધે 70 વર્ષ પહેલાના પુરાવાઓ મળવા સંભવ નથી.

- text

આ સમાજને આપેલ તમામ પ્રમાણપત્રો મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને રેન્જ ફોરેસ્ટ અધિકારીની બનેલી તાલુકા કમિટી દ્વારા આપવામાં આવેલ છે. જેથી યોગ્ય તપાસ અને પુરાવાઓને અંતે જ પ્રમાણપત્રો મળેલા છે. તેમજ હાલમાં અમુક ધારાસભ્યો દ્વારા રબારી, ભરવાડ, ચારણના અનુસુચિત જનજાતિમાંથી દુર કરવા માટે સરકારમાં સતત રજુઆત થઇ રહી છે. 1956નાં જાહેરનામામાં સમાવેશ થયા બાદ, 1956માં કેન્દ્ર સરકારના સોશ્યલ સિકયોરીટી વિભાગ દ્વારા રચેલ લોકુર કમિટી અને 1956માં રચેલ જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી ચંદા કમિટી દ્વારા આ સમાજનો અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરેલ છે.

આ સંજોગોમાં સરકાર દ્વારા રચેલ કમિટીની રચના રદ કરવામાં આવે, અને સમાજના L.R.D., G.P.S.C, G.S.R.T. અને અન્ય પરીક્ષાઓમાં ઉતીર્ણ થયેલ બાકી રહેલા ઉમેદવારોને તાત્કાલિક પ્રોવિઝનલ નિમણુંક આપવામાં આવે તેમજ હાલમાં નેસમાં વસવાટ કરતા અને સ્થળાંતર રીત વિગતદર્શક કાર્ડધારક 17,551 પરિવારોના અનુસુચિત જનજાતિના દરજ્જાનું રક્ષણ કરવામાં આવે અને આ સમાજને અનુસુચિત જનજાતિમાંથી દુર કરવાની કોઇ પ્રક્રિયા રાજય સરકાર દ્વારા હાથ ન ધરાય તેવી વડવાળા યુવા સંગઠન-મોરબી તથા સમગ્ર મચ્છુ કાંઠા રબારી સમાજ દ્વારા રજૂઆતના અંતે જણાવાયુ છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text