પ્રકૃતિ પ્રેમ : માત્ર ત્રણ કલાકમાં 1500 જેટલા રોપાઓનું વિતરણ

- text


મોરબીને લીલુંછમ હરિયાળું બનાવાના વિવિધ સંસ્થાઓના ભગીરથ પ્રયાસો, રોપા વિતરણનો લાભ લેવા લોકોમાં અદમ્ય ઉત્સાહ

મોરબી : મોરબીમાં ચોમાસુ વિધવિત રીતે શરૂ થઈ ગયું હોય એમ હમણાં જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેથી વૃક્ષોના વાવેતર માટે અનુકૂળ સમય શરૂ થવાથી વિવિધ સંસ્થાઓ દ્વારા આજે વિનામૂલ્યે રોપા વિતરણનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રોપા વિતરણમાં લોકોએ અદમ્ય ઉત્સાહ દર્શાવી માત્ર ત્રણ કલાકમાં જ 1500 જેટલા રોપાઓ લોકો ચપોચપ લઈ ગયા હતા.
મોરબીમાં ઘણા વર્ષોથી પર્યાવરણનું જતન કરતી સંસ્થા મયુર નેચર કલબ તેમજ સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ અને મોરબી, ઇન્ડિયન લાયન્સ કબલ તેમજ મોરબી અપડેટ દ્વારા શહેરને લીલુંછમ હરિયાળું બનાવવામાં માટે ભગીરથ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી દર ચોમાસે પ્રથમ સારો વરસાદ પડ્યા બાદ ઘટાદાર વૃક્ષો થાય તેવા રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ પ્રથમ વરસાદ પડ્યા બાદ સેવાભાવી સંસ્થાઓ દ્વારા મોરબી શહેરને લીલુંછમ હરિયાળું બનાવના ભાગરૂપે આજે મોરબીના શનાળા રોડ, રામચોક, કબીબી બેકરી પાસે આવેલ સંદેશ બ્યુરો ઓફીસ નીચે વિનામૂલ્યે રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વખતે કોરોના કાળમાં ઓકિસજનની મોટી કમી મહેસુસ થઈ હતી. તેથી શુદ્ધ ઓકિસજન આપતા વૃક્ષોની મહત્વતા લોકોને સમજાય હોય તેમ આજે રોપા વિતરણનો લાભ લેવા લોકો ઉમટી પડ્યા હતા અને લોકોના ભારે ઉત્સાહને કારણે માત્ર ત્રણ કલાકમાં જ સીતાફળ, જામફળ, દાડમ, જાંબુ, આંબલી, કાચનાર, સેતુર, આસોપાલવ, આમળા, લીમડો, કરંજ, વાયાવરણો સહિતના 1500 જેટલા વૃક્ષોના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરી દેવામાં આવ્યું હતું. આ રોપા વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા વન વિભાગના આર.એફ.ઓ. અનિલભઈ એરવાડિયા, મયુર નેચર કલબના એમ.જી.મારુતિ, જીતુભાઈ ઠક્કર, અજયભાઈ અનડકટ, પુષ્કરભાઈ, લવજીભાઈ બરેજીયા, ઇન્ડિયા લાયન્સ કલબના પ્રમુખ ભાવેશભાઈ દોશી. હર્ષદભાઈ ગામી, ઘનશ્યામભાઈ આધારા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text