જીંદાદીલ મોરબી : કોરોના સેન્ટરમાં દર્દીઓ માટે યોજાયો હાસ્યરસનો કાર્યક્રમ

- text


રઘુવંશી કોવીડ ક્વોરન્ટાઇન સેન્ટરના પેશન્ટને મનોરંજન કરાવવા ખાસ હાસ્ય કલાકાર હિતેષ કોટેચાને બોલાવાયા

મોરબી : મોરબી જીંદાદિલ છે જે આફતોને ઘોરીને પી જઈને ફરી બેઠું થવામાં માને છે. અહીં મુશ્કેલીઓ પણ જાજો સમય ટકતી નથી. કારણકે મુશ્કેલી એક હોય છે પણ સહારો દેવા વાળા હાથ અનેક હોય છે. અહીં મુશ્કેલીનો સામનો પણ આનંદ લઈને કરવામાં આવે છે. જેનું દ્રષ્ટાંત રઘુવંશી કોવીડ ક્વોરન્ટાઇન સેન્ટરમાં જોવા મળ્યું છે. જ્યાં કોવિડ દર્દીઓના મનોરંજન માટે ખાસ હાસ્ય કલાકાર હિતેષ કોટેચાને બોલાવવામાં આવ્યા હતા અને દર્દીઓને હસાવીને મજા કરાવવામાં આવી હતી.

મોરબીમાં નાગરિક બેંકની સામે આવેલા લોહાણા વિદ્યાર્થી ભવનમાં સમાજના લોકો માટે 50 બેડનું કોવિડ કવોરંટાઇન સેન્ટર કાર્યરત છે. જ્યાં એમ.ડી. તથા એમ.બી.બી.એસ. ડોકટર, બે મેડિકલ ઓફિસર, સાત નર્સિંગ સ્ટાફની દેખરેખ હેઠળ કવોરંટાઇન થયેલા લોકોની સેવા-શ્રુષૂતા કરવામાં આવે છે. સેન્ટરમાં એક ટેલિવિઝન રાખવામાં આવ્યું છે. જેના દ્વારા લાફિંગ થેરેપી આપવાના ભાગરૂપે કોમેડી શૉ અને હાસ્યરસ પીરસતા અન્ય વિડીઓ દર્શાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત લાફિંગ થેરેપી, યોગ, પ્રાણાયમ, કસરત કરાવવામાં આવે છે.

- text

વધુમાં આજે આ સેન્ટરમાં દર્દીઓને હળવા કરવા માટે ખાસ હાસ્ય કલાકારનો શો રાખવામાં આવ્યો હતો. જેમાં હાસ્ય કલાકાર હિતેષ કોટેચાએ પધારીને દર્દીઓને ખડખડાટ હસાવીને જલસો કરાવી દીધો હતો. આમ આજે કોવિડ પેશન્ટ પોતાનું દર્દ અને ચિંતા છોડી હાસ્ય શોમાં લિન થઈ ગયા હતા અને ખૂબ મજા કરી હતી.

- text