મોરબીમાં આવતીકાલે મંગળવારથી કોવિડ ટેસ્ટ લેબ થશે કાર્યરત

- text


હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા માટે જીઆઈએસએફના 20 ગાર્ડની રાઉન્ડ ધ કલોક ડ્યુટી સોપાશે

મોરબી : મોરબીમાં 48 કલાકમાં કોરોના ટેસ્ટિંગ લેબ ભલે ચાલુ ન થઈ શકી હોય પરંતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત મુજબ આવતીકાલે મંગળવારથી આ ટેસ્ટિંગ લેબ ચાલુ થઈ જશે ઉપરાંત હાલનો સિવિલ હોસ્પિટલનો અફડા તફડીનો માહોલ જોતા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના 20 જવાનોને રાઉન્ડ ધ ક્લોક ફરજ સોંપવામાં આવી છે.

આવતીકાલે મંગળવારથી મોરબી સિવિલ હોસ્પિટલમાં આર.ટી. પી.સી.આર ટેસ્ટ કરવા માટે લેબ. કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો છે. એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ, નેગેટિવ કે શંકાસ્પદ આવતો હોય તેમને ઘણા કેસોમાં ડૉક્ટર આર.ટી. પી.સી.આર ટેસ્ટ કરાવવાની સલાહ આપતા હોય છે. જો કે આ માટેની પૂરતી વ્યવસ્થા મોરબીમાં ઉપલબદ્ધ ન હોવાથી લોકોની રઝળપાટ વધી જતી હોય છે. ત્યારે મંગળવારથી મોરબી સિવિલ હોસ્પિટલમાં જ આ ટેસ્ટ સુવિધા માટે કલેક્શન સેન્ટર અને લેબ કાર્યરત થવા જઈ રહી હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

- text

આ લેબમાં સૌ પ્રથમ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના ટેસ્ટ કરવાને પ્રાધાન્ય અપાશે. આ ઉપરાંત આવનારા બે દિવસોમાં મોરબીના ઓક્સિજન બેડ વધારવા માટેની કવાયત હાથ ધરાઈ છે. વધુ ઉમેરવાના થતા બેડ કાર્યરત થઈ જશે ત્યારે મોરબીમાં કુલ 184 ઓક્સિજન બેડ થઈ જશે. એવી આશા રાખવામાં આવી રહી છે કે આનાથી કોવિડ પેશન્ટ અને તેઓના પરિજનોને થોડી રાહત મળશે.

ઉપરોક્ત સુવિધા શરૂ થતાં જ લોકોનો પ્રવાહ મોરબી સિવિલ હોસ્પિટલમાં વધી જવાની શક્યતાઓને જોતા ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ સિક્યુરિટી ફોર્સ (જી.આઈ. એસ.એફ)ના 20 ગાર્ડની તૈનાતી હોસ્પિટલ ખાતે કરાઈ છે. જેઓ 3 શિફ્ટમાં 24 કલાક ફરજ પર રહેશે અને હાલમાં ઓક્સિજન સહિતના સુવિધા વાળા બેડ માટે સિવિલ હોસ્પિટલમાં કામગીરીનો ધમધમાટ જોર શોરથી ચાલી રહ્યો છે.

- text