ટંકારા તાલુકાના અનેક ગામોમાં સ્વૈચ્છીક લોકડાઉન : માત્ર સવારે દુકાનો ખુલ્લી રાખવા સૂચના

- text


અમરાપરમાં આરોગ્યલક્ષી પગલાં લેવા રજૂઆત

વેપારીઓએ માત્ર સવારે દુકાન ખુલ્લી રાખવાનો ટંકારા તાલુકા એગ્રો એશોસીયનનો નિર્ણય

ટંકારા : કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા ટંકારા તથા ગ્રામ્ય વિરતારના તમામ વેપારીઓએ સવારે 8 થી 12 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવી અને બપોર પછી સંપૂર્ણ લોકડાઉન રાખવું તેવો નિર્ણય ટંકારા તાલુકા એગ્રો એશોસીયન દ્વારા કરવામાં આવ્યો છે. જે નિયમનું તા. 08/04/2021 થી 15/04/2021 સુધી પાલન કરવામાં આવશે આ ઉપરાંત તાલુકાના અનેક ગામોમાં સ્વૈચ્છીક લોકડાઉન અમલી બનાવી દેવામાં આવ્યું છે.

નેકનામ ગામમાં કોરોનાનું સંક્રમણ વધતાં તમામ ગ્રામજનોએ માસ્ક ફરજીયાત પહેરવું, સોશિયલ ડિસ્ટનસ જાળવવું, કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવું, ગરમ પાણી તથા ઉકાળાનું સેવન કરવું, ભીડવાળી જગ્યાએ બને ત્યાં સુધી જવાનું ટાળવું, ચાર વ્યક્તિએ ભેગા ના થવું તેમજ આ તમામ સૂચના નું પાલન કરવું માસ્ક ફરજીયાત પહેરવું, ઠંડા-પીણાં, ચાની લારી, કરિયાણાની દુકાન તથા મોબાઈલ કે કોઈપણ જાતની એજન્સીઓ સવારે 06:00થી બપોરના 02:00 વાગ્યા સુધી ખુલ્લી રાખવી તથા બહાર ગામના ફેરિયાએ ગામમાં પ્રવેશ કરવો નહીં. જેની ખાસ નોંઘ લેવા નેકનામ ગ્રામ પંચાયત અને હમીરપર ગ્રામ પંચાયત દ્વારા યાદીમાં જણાવાયું છે.

નસીતપર ગામમાં માત્ર નિયત સમયે દુકાનો ખુલ્લી રાખવા સૂચના

નસીતપર ગામમાં સવારે 8થી 12 વાગ્યા સુધી તેમજ સાંજે 5થી 9 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. આ નિયમનો ભંગ કરનાર દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ બહારથી ગામમાં ફેરિયાઓ આવી શકશે નહીં. આ નિયમનું પાલન તા. 28 માર્ચથી 7 એપ્રિલ સુધી કરવાનું રહેશે. તેમ નસીતપર ગ્રામ પંચાયત દ્વારા યાદીમાં સૂચના આપવામાં આવેલ છે.

- text

રાજાવડ (ધ્રુવનગર)માં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના

રાજાવડ (ધ્રુવનગર) ગામમાં ગુલ્ફી, આઈસક્રીમ અને પેપ્સી જેવા ઠંડા ખાદ્ય પદાર્થો અને પાણીપુરી કે અન્ય બહારની વસ્તુઓના ખરીદ વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે. તેમજ એકબીજાના ઘરે જવું નહીં અને માસ્ક પણ ફરજિયાત પહેરવા રાજાવડ (ધ્રુવનગર) ગ્રામ પંચાયત દ્વારા જાહેર સૂચના આપવામાં આવેલ છે.

જબલપુર ગ્રામ પંચાયત દ્વારા કોરોના ગાઇડલાઈન અંગે જાહેર નોટીસ

જબલપુર ગ્રામ પંચાયત દ્વારા કોરોના ગાઇડલાઈન અંગે જાહેર નોટિસ આપવામાં આવેલ છે. જેમાં માસ્ક ફરજિયાત પહેરવા, જરૂરી કામ વિના ઘરની બહાર ન નીકળવા, જાહેર સ્થળે ન બેસવા, જાહેર સ્થળે તથા અન્ય દુકાને ચારથી વધુ માણસો ભેગા ન થવા અને બહારથી ગામમાં ફેરિયાઓએ ન આવવાની સૂચના આપવામાં આવેલ છે.

અમરાપર ગામમાં આરોગ્યલક્ષી પગલાં લેવા જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત

અમરાપર ગામમાં છેલ્લા 24 કલાકમાં બિમારીના લીધે ચાર લોકોના મૃત્યુ થયા છે. હાલમાં કોરોનાની પરિસ્થિતિને કારણે ગામમાં સંક્રમણનું જોખમ વધી ગયું છે. આથી, આરોગ્યની ટીમ દ્વારા તાકીદે પગલા લેવામાં આવે તેમજ પ્રાઇમરી હેલ્થ સેન્ટરની ટીમ ગામની રૂબરૂ મુલાકાત લે, તેવી માંગ કરવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં રૂબરૂ આવવું યોગ્ય ન હોવાથી ઓનલાઇન અરજી કરવામાં આવી છે. આ રજૂઆતને ધ્યાનમાં લઇ તાત્કાલિક ધોરણે પગલાં લેવા ગ્રામ પંચાયત દ્વારા મોરબી જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text