ધૂમ સ્ટાઈલ બાઈકર્સની સાથે બુલેટમાં ફટાક્યા ફોડતા તત્વો સામે સતત કાર્યવાહીથી પ્રજાજનોને રાહત

- text


પોલીસ દ્વારા કડક ઝુંબેશ યથાવત રખાતા બાબુડિયાઓના ત્રાસમાંથી શહેરીજનોને મુક્તિ

મોરબી : મોરબી શહેરમાં ધૂમ સ્ટાઇલ બાઇક ચલાવી સ્ટંટ કરતા બાબુડિયાઓ તેમજ બુલેટમાં ફટાક્યા ફોડતા તત્વો સામે પોલીસે સતત ઝુંબેશરૂપી કામગીરી ચાલુ રાખતા શહેરીજનોને રાહત મળી છે અને લોકો પોલીસની કાર્યવાહીને બિરદાવી કાયમી આવી ઝુંબેશ ચાલુ રહે તેવું ઈચ્છી રહ્યા છે.

મોરબી શહેરના મયુરપુલ, પાડા પુલ, રેલવે સ્ટેશન રોડ, અવની ચોકડી, રવાપર રોડ, સનાળા રોડ સહિતના ટ્રાફિકથી ભર ચકક જાહેર માર્ગો ઉપર બાપ કમાઈના બાબુડિયા ઉપરાંત કેટલાક લુખ્ખા તત્વો દ્વારા કેટીએમ, પલ્સર, બુલેટ જેવા બાઇક લઈને સરાજાહેર સ્ટંટ કરવાની સાથે બહેનો, દીકરીઓની છેડતી કરતા તત્વો સામે જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ કડક કામગીરી કરવા સૂચના આપતા મોરબી સીટી એ, બી ડિવિઝન અને તાલુકા પોલીસ સહિતની ટીમો દ્વારા ઝુંબેશરૂપે કામગીરી કરી આવા બાબુડિયાઓને કાયદાનું ભાન કરાવતા લોકો પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે.

- text

આજે પણ બાપુના બાવલા પાસે પોલીસની જુદી- જુદી ટીમો દ્વારા રેસિંગ સ્ટાઇલમાં બાઇક લઈને નીકળતા બાઇક ચાલકો સાથે ઘોંઘાટીયા સાયલેન્સર ફિટ કરાવી નીકળતા બુલેટ ચાલકો સામે કડક કાર્યવાહી કરતા રવિવારે ફરવા નીકળેલા લોકો આરામથી ફરી શક્યા હતા અને પોલીસ કાયમી આવી લાલઆંખ રાખે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

- text