ટંકારા તાલુકા પંચાયતમાં નવાજૂનીનાં એંધાણ 

- text


ભાજપના પુષ્પાબેન સામે કોંગ્રેસના વિપુલ કુંડારીયાએ ઉમેદવારી નોંધાવી 

ભાજપના સદસ્ય સંપર્કમા હોવાનું જણાવતા રાજકીય ગરમાવો

ટંકારા : આવતીકાલે ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખ માટે ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભાજપ તરફથી પ્રમુખ તરીકે પુષ્પાબેન કામરિયાનું ફોર્મ ભરાયું છે. જેની સામે કોંગ્રેસના વિપુલ કુંડારીયાએ પણ ઉમેદવારી નોંધાવતા આવતીકાલે ચૂંટણી સમયે નવાજૂનીનાં સંકેતો મળી રહ્યા છે.

ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં ગત ટર્મમાં પાચ વર્ષ સુધી શાસન કરનાર કોંગ્રેસને માત્ર છ બેઠક મળી છે. જયારે ભાજપ નવ બેઠકો ઉપર વિજેતા જાહેર થતા સ્પષ્ટ બહુમતી મળી છે. જોકે એક બેઠક અપક્ષે પણ મેળવી અપસેટ સર્જ્યો હતો ત્યારે આજે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાતા ભાજપમાંથી પ્રમુખ માટે પુષ્પાબેન કામરીયા અને ઉપ પ્રમુખ પદ માટે નિમુબેન ડાંગરે ઉમેદવારી નોંધાવી હતી. જો કે, કોંગ્રેસ પણ ચુંટણી મેદાનમાં આવ્યું છે અને પ્રમુખ માટે વિપુલ કુંડારીયા અને ઉપ પ્રમુખ માટે બે ટર્મથી ચુંટાયેલા પક્ષના વફાદાર અને આલા નેતાના માનીતા ચેતન ત્રિવેદીએ ઉમેદવારી નોંધાવી રાજકીય ગરમાવો લાવી દીધો છે.

- text

કોગ્રેસના દિગ્ગજ નેતાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી ભાજપના સભ્ય સંપર્કમા હોવાનું જણાવ્યું છે. જો કે, ભાજપના નેતાએ આ માત્ર હવાની વાત ગણાવી છે. ત્યારે ગઈકાલે બપોરના બાર વાગ્યાના ટકોરે ચુંટણી માટે મતદાન થશે જેમા નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. કાલનો દીવસ બન્ને પક્ષો વચ્ચે આર યા પારની લડાઈ વાળો રહેનાર હોવાના સંકેતો મળી રહ્યા છે.

- text