મોરબી પાલિકામાં વિજય મુહૂર્તમાં ચાર્જ સાંભળતા નવનિયુક્ત પ્રમુખ – ઉપપ્રમુખ

- text


ટ્રાફિક સમસ્યા ઉકેલવા ઓવરબ્રિજ, રિવરફ્રન્ટ તેમજ ભૂગર્ભ ગટરની સમસ્યા ઉકેલાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરવાનો કોલ આપ્યો

મોરબી : મોરબીના ઇતિહાસમાં પ્રથમ વગર વિપક્ષ વગરની અને ભાજપ શાસિત મોરબી નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં મોરબીના પ્રથમ નાગરિક તરીકે સર્વાનુમતે વોર્ડ નંબર 11 માં ચૂંટાયેલા કુસુમબેન પરમારની આગામી અઢી વર્ષની ટર્મ માટે મોરબી પાલિકા પ્રમુખ પદે નિયુક્તિ કરવામાં આવી હતી. તેમજ પાલિકાના ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર 3 ના જયરાજસિંહ જાડેજાની વરણી કરવામાં આવી હતી. આ સાથે જ નવા પ્રમુખ અને ઉપપ્રમુખે વિજય મુહૂર્તમાં વિધિવત પદભાર ગ્રહણ કરી શહેરના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરવાનો કોલ આપ્યો છે.

મોરબી પાલિકાના નવા પ્રમુખ કુસુમબેન પરમાર અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ આજે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો. આ ચાર્જ સભાળતાની સાથે જ નવા પ્રમુખ કુસુમબેન પરમાર અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં પ્રજાના પ્રાણ પ્રશ્નોને વધુને વધુ પ્રાધાન્ય આપી આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા સતત પ્રયત્નશીલ રહેવાનું જણાવ્યું હતું. જેમાં ટ્રાફિકની સમસ્યા વધુ જટિલ હોય એના ઉકેલ માટે ઓવરબ્રિજની તાતી જરૂરિયાત હોવાથી શહેરમાં ઓવરબ્રિજ બને તે માટે પ્રયાસો કરવા પર ભાર મુક્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાનો ગંભીર પ્રશ્ન છે. લોકોને ગટર ઉભરવાની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે જરૂરી સંકલન સાધીને આ વર્ષોજુની ગટર સમસ્યા ઉકેલવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે. આ ઉપરાંત શહેરીજનોને હરવા ફરવાના સારા સ્થળોની સુવિધા મળે તે માટે ખાસ કરીને રિવરફ્રન્ટ બને તેવા પ્રયાસો કરવાની નેમ વ્યક્ત કરી છે. સાથેસાથે શહેરમાં સારા બાગ બગીચાની સુવિધા ઉપલબ્ધ થાય તેમજ શહેરીજનોને સારા રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પાણી સહિતની પ્રાથમિક સુખાકારી માટે ભાજપના તમામ સભ્યોને સાથે રાખીને મોરબીનો વિકાસ કરવાનો કોલ આપ્યો છે અને ભાજપ ઉપર પ્રજાએ જે ભરોસો મુક્યો છે તેને અખંડિત રાખવા કમર કસવા પર ભાર મુક્યો હતો.

- text

અત્રે નોંધનીય છે કે, મોરબી નગરપાલિકામાં આ વખતે વિપક્ષનું કોઈ નામોનિશાન જ રહ્યું નથી.તમામે તમામ ભાજપના જ ચૂંટાયેલા સદસ્યો છે. વિપક્ષ વગરની પાલિકામાં હવે રોકટોક ન હોય ત્યારે નવી ભાજપની બોડી શહેરના વિકાસ તરફ વધુ ધ્યાન આપે તે જરૂરી છે. ત્યારે આજે ભાજપની નવી બોડીએ જે પ્રજાને કોલ આપ્યા તે નિભાવવા માટે પુરી નિષ્ઠાથી પ્રયાસો કરે છે કે કેમ તે જોવાનું રહ્યું.

- text