મોરબી : પેસેન્જરને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતા બે શખ્સો પાસા હેઠળ જેલ ભેગા

- text


એ ડિવિઝન પોલીસ સ્ટે.ની હદમાં બનેલા લૂંટના બે બનાવોમાં ત્રણ શખ્સોની ખુલી હતી સંડોવણી

મોરબી : શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પેસેન્જરોને રિક્ષામાં બેસાડી બાદમાં તેને લૂંટી રહેના લેનાર ત્રણ શખ્સોની બે અલગ અલગ ગુન્હામાં અટકાયત કરવામાં આવેલી હતી. જે પૈકી એક શખ્સ અગાઉથી જ જેલ હવાલે છે. જ્યારે ત્રણ પૈકીના બે આરોપીઓને પાસા હેઠળ ગઈકાલે શુક્રવારે અલગ-અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

શહેરમાં ગત 6 નવેમ્બર, 2020 ના રોજ બે અલગ-અલગ જગ્યાઓએ પેસેન્જરને રીક્ષામાં બેસાડી છરી જેવા હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રોકડ રકમ તથા મોબાઈલ ફોનની લૂંટ ચલાવવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે સીસીટીવી કેમેરા તપાસી તેમજ સર્વેલન્સ ટીમ કામે લગાડી હતી અને તેના આધારે તેમજ ભોગ બનનાર પાસેથી આરોપીઓના મળેલા વર્ણનને આધારે પોલીસે લૂંટમાં વપરાયેલી શંકાસ્પદ રિક્ષાને ઓળખી કાઢી હતી. ઇ ગુજકોપ પોકેટ કોપ દ્વારા શંકાસ્પદ રીક્ષા નંબર GJ 13- AV 2927 સર્ચ કરતા ઉપરોક્ત ગુનામાં વપરાયેલી રીક્ષા સુરેન્દ્રનગર જિલ્લાની હોવાનું સ્પષ્ટ થયું હતું.

- text

જે તે સમયે પોલીસે 20 વર્ષીય હૈદર ઈસ્માઈલભાઈ પઠાણ અને 25 વર્ષીય રફીક ઉર્ફે ફઝલ યાસીનભાઈ કોડિયા, (રહે. બન્ને – ટીબી હોસ્પિટલ રોડ, લક્ષ્મીપુરા, શેરી નંબર 5, સુરેન્દ્રનગર) અને 23 વર્ષીય પ્રકાશ ઉર્ફે પકો નરસિંહભાઈ ભોજીયા (રહે.80 ફુટ રોડ દેશળ ભગતની વાવ પાસે સુરેન્દ્રનગર) વાળાની રવાપર- ધુનડા રોડ ખાતે રિક્ષા સહિત ધરપકડ કરી હતી. ઉપરોક્ત ગુનામા લુટી લેવાયેલા 3 મોબાઈલ અને 1540 રૂપિયા રોકડા તેમજ રિક્ષા સહિત કુલ 82,540 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. ઉપરોક્ત બંને લૂંટના ગુનામાં સંડોવાયેલા ત્રણ પૈકી પ્રકાશ ભુરીયા હાલ જેલ હવાલે છે, જ્યારે રફીક ઉર્ફે ફઝલ કોડિયા અને હૈદરખાન ઈસ્માઈલખાન પઠાણ વિરુદ્ધ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પાસા અંગે દરખાસ્ત તૈયાર કરી હતી. જે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મંજુર કરવામાં આવતા શુક્રવારના રોજ મોરબી સીટી એ. ડીવીઝન પી.આઇ બી.પી. સોનારાએ પાસા અધિનિયમ હેઠળ રફીકને અમદાવાદ તેમજ હૈદરખાન પઠાણને વડોદરા જેલ હવાલે મોકલી આપ્યા છે.

- text