મોરબીમાં કેન્સરના દર્દી માટે લોકફાળો એકત્ર કરી માનવતા મહેકાવતા ડોકટર

- text


હેલ્પિંગ હેન્ડ ગ્રુપ અને મિત્રો, કુટુંબીઓના સહયોગ થકી કેન્સરગ્રસ્ત દર્દીની સારવારનો ખર્ચ ઉઠાવ્યો

મોરબી : મોરબી માયાળુ અને દયાળુ નગરી છે, એ વાતથી તો સૌ પરીચીત છે. કોઇપણ જગ્યાએ મદદની વાત આવે તો મોરબીના લોકો હંમેશા તત્પર રહે છે. હાલ જ મોરબીના એક ડોક્ટરે આ વાતને પુરવાર કરી છે.

મોરબીની નાંમાકિત કાન-નાક-ગળાની ‘ઓમ હોસ્પીટલ’ના ડો. હિતેષ પટેલ પાસે આવેલ એક દર્દીને કેન્સર હોવાનુ માલુમ થયેલ અને દર્દીની આર્થીક હાલત નબળી હોવાની ખબર પડતા જ ડો. હિતેષ પટેલે તેમની મદદ કરવાનુ જાણે મનોમન નક્કી કરી લીધેલ. આ દર્દીની સારવારનો ખર્ચ લગભગ રૂ. ૬ લાખ જેટલો હતો. જેમા ડો. હિતેષભાઇએ ત્યા સારવાર કરનાર ડોક્ટર સાથે વાત કરી સારવારના ખર્ચમા રાહત કરી આપી અને બાકી વધતી રકમ પોતે પોતાના મિત્રસર્કલ તેમજ સગાસંબંધી દ્વારા એકઠી કરી દર્દીની સારવારની તમામ જવાબદારીનુ બીડુ ઉઠાવી અને સફળતાપુર્વક ઓપરેશન કરાવી આપેલ.

- text

ઉલ્લેખનીય છે કે સોસીયલ મીડીયા દ્વારા જરૂરીયાતમંદ લોકોને મદદ કરતુ ગ્રૃપ ‘હેલ્પીંગ હેન્ડ’ના એક્ટીવ સભ્ય છે. તેમણે આ મદદ માટેની પહેલ આ ગૃપમા પણ કરેલ અને ગણતરીની કલાકોમા જ હજારો રૂપીયાની મદદ જાહેર કરવામા આવેલ પરંતુ બાદમા જરૂરી રકમ એકઠી થઇ જતા આ રકમ અન્ય જરૂરીયાતમંદ દર્દી માટે વાપરવાનુ ડોક્ટર હિતેષભાઇએ જણાવેલ. આમ, આ રીતે સેવાકીય કામ કરી ડો. હિતેશ પટેલે સમગ્ર ડોક્ટર દરજ્જાને ગર્વ અપાવે એવુ કામ કરેલ છે. નોંધનીય છે કે આ સેવાના કાર્યમા મોરબી સિરામિક એસોસિએશનનો સહયોગ પ્રાપ્ત થયો છે.

- text