વાંકાનેરમાં સ્ટેચ્યુ સર્કલની અવદશા : વર્ષોથી ફુવારા બંધ!

- text


સર્કલ અંદર છોડ ઉગી નિકળવાની સાથે કચરાનાં ગંજ ખડકાયા

વાંકાનેર : વાંકાનેરનાં નજરાણા સમાન ઐતિહાસિક સ્ટેચ્યૂ સર્કલની અવદશા લાંબા સમયથી જોવા મળી રહી છે. ત્યારે તંત્ર દ્વારા વાંકાનેરની આ એક માત્ર બચેલી ઐતિહાસિક શોભા પ્રત્યે ગંભીરતા દાખવી સ્ટેચ્યુ સર્કલની કાયાપલટ કરવામાં આવે તે અનિવાર્ય છે.

વાંકાનેર શહેરમાં મુખ્યત્વે પુલ દરવાજો અને સ્ટેચ્યુ સર્કલ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરતાં નજરાણાં કહી શકાય, જેમાં 2001નાં ગોઝારા ભૂકંપમાં જર્જરીત થતાં શહેરની શાન સમા પુલ દરવાજાને ધ્વંસ કરવો પડ્યો અને હવે એક માત્ર સ્ટેચ્યુ સર્કલ બચ્યું છે! જેની પણ લાંબા સમયથી અવદશા જોવા મળી રહી છે.

વર્ષો પહેલાં અહીં રંગબેરંગી ફુવારા હતાં, ઉનાળામાં લોકો સપરિવાર ફુવારા નિહાળવા નીકળતા, સર્કલ અંદર બાળકો કિલકિલાટ કરતા, રંગબેરંગી ફુવારાથી સ્ટેચ્યુ સર્કલ શોભી ઊઠતું, તેને સ્થાને હાલમાં અંદર છોડ ઉગી નિકળ્યા છે, ફુવારા બંધ છે, કચરાના ઢગલા જોવા મળે છે.

ત્યારે શહેરની શાન સમાન સ્ટેચ્યુ સર્કલની યોગ્ય જાળવણી કરવામાં આવે, સમયાંતરે સફાઈ થાય, વર્ષોથી બંધ ફુવારા પુનઃ શરૂ થાય, અને કાયાપલટ કરવામાં આવે તો વાંકાનેર શહેરની શોભા વધે અને જેઓએ વાંકાનેર શહેરને વસાવ્યું છે તેવા ગૌરવવંતા રાજવી સર અમરસિંહજી બાપુનું ગૌરવ યથાવત રાખવું તે આપણાં સૌની ફરજ છે.

- text

આથી, તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી સંપન્ન થઈ છે, ત્યારે નવા ચૂંટાયેલા નગર સેવકો શહેરની શાન અને ગૌરવ સમા સ્ટેચ્યુ સર્કલની કાયાપલટ માટે ગંભીરતા દાખવી સૌ પ્રથમ આ કાર્યને ચોક્ક્સ પ્રાધાન્ય અપાશે તેવી શહેરીજનોને અપેક્ષા છે.

- text