મોરબી જિલ્લામાં ચૂંટણી દરમિયાન મુદ્રક અને પ્રકાશકના નામ-સરનામા વિનાના ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકાશે નહીં

- text


ચૂંટણીલક્ષી પ્રચાર માટે ધ્વજ, પતાકા, બેનરો, સુત્રો-નિશાનીઓ લખવા પર નિયંત્રણ કરતુ જાહેરનામુ : ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ કરતા પહેલા વાહન રજીસ્ટર કરાવવા પડશે

મોરબી : મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૧ને ધ્યાને લઇ મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કેતન પી. જોષી એ એક હુકમ દ્વારા કોઇ પણ વ્યકિત કે સંસ્થાને મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય તેવા ચૂંટણીને લગતા ચોપનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહી. અથવા તો છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકશે નહીં ઉપરાંત ચૂંટણી પ્રચાવા ર માટે ધ્વજ,પતાકા,સૂત્રો લખવા ઉપર પ્રતિબંધ ફરમાવી ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા વાહનોનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે.

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પ્રચાર માટે ચોપાનીયા, ભીંતપત્રો, હેન્ડ બીલ, વગેરેનું ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી છાપકામ કરાવી પ્રસિધ્ધ કરવામાં આવે છે. અને લોકોમાં વહેંચવામાં આવે છે. આવા દસ્તાવેજોમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને મતદારોને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારિત્ર ખંડન જેવી કોઇ ગેરકાનુની વાંધાજનક બાબત કે લખાણનો સમાવેશ થતો હોય તો સબંધિત વ્યકિત સામે આવશ્યક શિક્ષાત્મક કે નિયંત્રક પગલા લઇ શકાય તે માટે ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહી કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહી સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યકિતઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય અને લખાણ છપાયા પછી મુદ્રકે ત્રણ દિવસમાં લખાણની એક નકલ સાથે એકરારપત્રની એક નકલ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરીને તથા સબંધિત ચૂંટણી અધિકારીશ્રીની કચેરીને મોકલી હોય. છાપેલા ચૂંટણી અંગેના કોઇ ચોપાનીયા કે ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશકના પુરા નામ, સરનામા અને ફોન, મોબાઇલ નંબર દર્શાવવાના રહેશે તથા મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર જોડાણ-ક અને જોડાણ-ખ ના નિયત નમુનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી તથા સબંધિત ચૂંટણી અધિકારીશ્રીને રજૂ કરવાની રહેશે.

- text

ઉપરાંત મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૧ આદર્શ આચારસંહિતાના અમલીકરણ હેતુ મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કેતન પી. જોષીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી લોકોની માલ-મિલ્કતને તેમની ઇચ્છા વિરુદ્ધ થતું નુકસાન, હાની, બગાડ અટકાવવા કેટલીક સુચનાઓ આપી છે.
આ જાહેરનામા અનુસાર કોઇ સરકારી જગ્યા કે તેના પરની કોઇ પણ મિલ્કત-મકાન પર પોસ્ટર્સ, પેપર્સ ચોંટાડી શકાશે નહીં કે કટઆઉટ હોર્ડિંગ્ઝ, બેનર્સ પ્રદર્શિત કરી શકાશે નહીં. પરંતુ જો કોઇ અન્ય જાહેર સ્થળે સ્થાનિક કાયદો સુત્ર લખવા, પોસ્ટર્સ લગાડવા કે કટઆઉટ, હોર્ડિંગ્ઝ બેનર્સ વગેરે ચૂકવણીના ધોરણે કે અન્ય રીતે પ્રદર્શિત કરવાની પરવાનગી આપતો હોય તો તે કાયદાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. કોઇ પણ રાજકીય પક્ષો તથા ઉમેદવારોએ ખાનગી મકાન, મિલ્કત, જમીન, દિવાલ કે કંપાઉન્ડનો તે મિલ્કત ધારણ કરનાર અધિકૃત વ્યક્તિ કે માલિકની પરવાનગી સિવાય ચૂંટણીલક્ષી પ્રચાર માટે ધ્વજ, પતાકા લગાડવા, બેનરો લટકાવવા, નોટિસો ચોંટાડવી, સુત્રો-નિશાનીઓ લખવા વગેરે પ્રકારનું ચૂંટણીલક્ષી પ્રચાર માટેનું કૃત્ય કરી મિલ્કતને નુકસાન કરવુ નહીં કે કરવા દેવુ નહીં. જાહેર કે ખાનગી મકાનોની દિવાલો પર સુત્રો લખવા, પોસ્ટર ચોંટાડવા, પ્રચાર સામગ્રી ચોંટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. એક રાજકીય પક્ષના કાર્યકર કે ટેકેદારો અન્ય રાજકીય પક્ષો દ્વારા આયોજિત કરવામાં આવેલ સભામાં તેમના પોતાના પક્ષનું સાહિત્ય વિતરણ કરી ખલેલ કરી કરશે નહીં તેમજ એક પક્ષ દ્વારા લગાવવામાં આવેલ પોસ્ટર બીજા પક્ષના કાર્યકરો કે ટેકેદારો દૂર કરી શકશે નહીં.

આ ઉપરાંત ચૂંટણી પ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવાર તરફથી મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. તેમાં મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટની સંમતિથી બીજા કોઈ વ્યક્તિ, કાર્યકર, ટેકેદાર દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે અનુસંધાને મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કેતન પી. જોષી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઈપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા, ચૂંટણી ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ ઉમેદવારને કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર કરાવવાના રહેશે. રજીસ્ટર કરાવેલ વાહનની પરમીટ મેળવી વાહનોની વિન્ડ સ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. વપરાશમાં લેવાયેલ વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે. ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહી.

- text